અમદાવાદમાં મકરબા ઓવરબ્રિજ શરૂ થતાં જ ટ્રાફિક જામ! કોર્પોરેટ રોડ તરફના છેડે સમસ્યા સર્જાતા કેપ્સ્યુલ જંક્શન સિસ્ટમ અપનાવાઇ

બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યા બાદ સાંજના સમયે જ્યારે ત્યાં વાહનોની અવર-જવર વધતા ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઇ હતી. જેના પગલે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને રોષ પણ વ્યક્ત કર્યો હતો.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Fri, 25 Sep 2026 04:25 PM (IST)Updated: Fri, 25 Sep 2026 04:25 PM (IST)
makarba-overbridge-ahmedabad-traffic-jam-reported-at-corporate-road-end-amc-plans-junction-redesign

Makarba Overbridge Ahmedabad: અમદાવાદના મકરબા વિસ્તારમાં રેલવે ફાટક મુક્તિ અને વાહનચાલકોની સુવિધા માટે નિર્મિત નવા ઓવરબ્રિજનું લોકાર્પણ થયાના 24 કલાકમાં જ ટ્રાફિક સમસ્યા સર્જાતા અનેક સવાલો ઉભા થયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગત ગુરુવારે ઇ-લોકાર્પણ કરાયેલા આ બ્રિજના કોર્પોરેટ રોડ તરફના છેડે ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. બ્રિજ ઉતરતા જ જંકશન પર વાહનોનો જમાવડો થતો હોવાથી વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે પોલીસ કમિશનરને પત્ર લખી કાયમી ટ્રાફિક પોલીસ અને સિગ્નલની વ્યવસ્થા કરવા રજૂઆત કરી છે. બીજી તરફ કામચલાઉ કેપ્સ્યુલ જંક્શન સિસ્ટમ અપનાવવામાં આવી છે જેથી ટ્રાફિક હળવો કરી શકાય. 

અમદાવાદ-બોટાદ રેલવે લાઇન પર આવેલા LC-24 ફાટક પર અંદાજે રૂ. 98.60 કરોડના ખર્ચે આ અત્યાધુનિક ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. આ બ્રિજ મકરબા, વેજલપુર, કોર્પોરેટ રોડ અને એસ.જી. હાઈવે જેવા મહત્વના વિસ્તારોને પરસ્પર જોડે છે. જોકે લોકાર્પણ કરવામાં આવ્યા બાદ સાંજના સમયે જ્યારે ત્યાં વાહનોની અવર-જવર વધતા ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઇ હતી. જેના પગલે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને રોષ પણ વ્યક્ત કર્યો હતો.

બ્રિજના લોકાર્પણ બાદ સર્જાયેલી ટ્રાફિકની અવ્યવસ્થાને પગલે વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે સ્થળ મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે નિરીક્ષણ કર્યું હતું કે બ્રિજના બંને છેડે, ખાસ કરીને કોર્પોરેટ રોડ અને એસ.જી. હાઈવે તરફના જોડાણ પર ટ્રાફિકની ગંભીર સમસ્યા ઉભી થઈ રહી છે. વાહનો જંકશન પર અટવાઈ જતા હોવાથી વાહનચાલકોનો સમય વેડફાઈ રહ્યો છે અને અકસ્માતનો ભય પણ સેવાઈ રહ્યો છે.

આ બાબતે ધારાસભ્ય અમિત ઠાકરે અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતને પત્ર પાઠવી રજૂઆત કરી છે કે મકરબા છેડે ટ્રાફિકના સુચારુ સંચાલન અને માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા માટે નિયમિત રીતે ટ્રાફિક પોલીસ જવાનોની તૈનાતી કરવામાં આવે. કોર્પોરેટ રોડના છેડે તાત્કાલિક અસરથી ટ્રાફિક સિગ્નલ કાર્યરત કરવામાં આવે, જેથી વાહનોનું નિયમન થઈ શકે અને પીક અવર્સમાં સર્જાતી સમસ્યાનો કાયમી ઉકેલ લાવી શકાય.

બ્રિજ ઉતરતા જ સર્જાતી આ ટ્રાફિકની ગૂંચને ઉકેલવા માટે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એક્શન મોડમાં આવ્યું છે. મ્યુનિસિપલ તંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, કોર્પોરેટ રોડ જંકશન પર ટ્રાફિકના પ્રવાહને વધુ પ્રવાહી બનાવવા અને વાહનોના વળાંકને સુરક્ષિત કરવા માટે 'કેપ્સ્યુલ ટાઈપ' જંકશન ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. આ નવી ડિઝાઈન દ્વારા જંકશનની કાર્યક્ષમતા વધારવામાં આવશે, જેથી બ્રિજ પરથી ઉતરતા વાહનો કોઈપણ અવરોધ વગર આગળ વધી શકે. જેના ભાગરુપે પોલીસ અને એએમસી તંત્ર દ્વારા બ્રિજ જ્યાં ઉતરે છે એ કોર્પોરેટ રોડ પર બેરિકેડ ગોઠવીને તેને બંધ કરવામાં આવ્યો છે. જેના કારણે વાહન-ચાલકોને લાંબો ચક્કર મારવાની ફરજ પડી છે.

આ બ્રિજ મકરબામાં ટૉરેન્ટ પાવરની ઓફિસ પાસેથી શરૂ થઈને સીધો કોર્પોરેટ રોડ જંકશન પર ઉતરે છે. રેલવે ફાટક બંધ રહેવાને કારણે જે ટ્રાફિક જામ થતો હતો તે સમસ્યા તો ઉકેલાઈ છે, પરંતુ હવે જંકશન પોઈન્ટ પર વધેલા ભારણને અંકુશમાં લેવું તે મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસ માટે નવો પડકાર બની રહ્યો છે. આગામી દિવસોમાં સિગ્નલ અને નવી ડિઝાઈન બાદ જ વાહનચાલકોને આ સમસ્યામાંથી સંપૂર્ણ રાહત મળે તેવી શક્યતા છે.