Ahmedabad News: અમદાવાદ શહેરમાં નવલી નવરાત્રિનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે તેની સાથે જ શહેરની કેટલીક શાળા-કોલેજોમાં ગરબા ક્લાસિસનો ધમધમાટ શરુ થઈ ગયો છે. જોકે, અમદાવાદની મોટી શાળાઓમાં કોમર્શિયલ કે પૈસા લઈને ગરબા ક્લાસ ચલાવતી સંસ્થાઓ સામે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ કડક વલણ અપનાવ્યું છે.
શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી શેઠ શ્રી હીરાભાઈ કન્યા વિદ્યાલયમાં ગરબા શીખવવાની કોમર્શિયલ પ્રવૃત્તિ ચાલતી હોવાનું સામે આવતા DEO કચેરી દ્વારા કારણ દર્શાવક નોટિસ પાઠવીને ખુલાસો માંગ્યો છે. તેમજ તેવી કામગીરી કરતી શાળાઓને કડક સૂચના આપી છે.
સ્કૂલોમાં ગરબાના નામે ચાલતું કોમર્શિયલ મોડેલ
નવરાત્રિના થોડા મહિના પહેલાં જ શાળાઓના કેમ્પસમાં ગરબા ક્લાસીસ ધમધમવા લાગે છે. શાળાઓમાં મુખ્યત્વે બે પ્રકારે આ પ્રવૃત્તિ જોવા મળે છે. જેમાં શાળાઓ પોતાના કેમ્પસને ચોક્કસ કલાકો માટે ખાનગી કોચિંગ ક્લાસ કે ભાડાના વ્યક્તિઓને ભાડે આપે છે. ઉપરાંત વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાવવામાં આવતી ફીમાંથી શાળા સંચાલકો કમિશન મેળવે છે. આ પ્રકારની કોચિંગ માત્ર 2થી 3 મહિના પૂરતી જચાલતી હોવાથી કાયદેસરના લાંબા ગાળાના કરાર વિના જ આ પ્રવૃત્તિઓ ચલાવાય છે.
શાળાઓ સામે DEOની કડક સૂચના
આવી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી શાળા-કોલેજોને અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ કડક સૂચના જારી કરી છે. જો કોઈ શાળા પોતાના છાત્રોને ફ્રીમાં ગરબાની તાલીમ આપે તો તે યોગ્ય છે. પરંતુ શાળાના કેમ્પસનો ઉપયોગ કોઈ પણ પ્રકારની વ્યાપારી પ્રવત્તિ માટે કરી શકાતો નથી.
શાળાને માત્ર શૈક્ષણિક વપરાશ માટે બીયુ પરમિશન કે રાહતદરે જમીન ફાળવાય છે. શાળા કેમ્પસમાં કોમર્શિયલ ગતિવિધિઓ કરવી એ મનપાના કાયદાનો ભંગ છે. જો કોઈ પણ શાળાઓ નિયમો વિરુદ્ધ જઈને બિનસત્તાવાર રીતે ગરબા ક્લાસીસ ચલાવશે તો તેમની સામે કડક અને કાયદેસર પગલાં લેવાશે.
નિયમોનું પાલન કરવું ફરજિયાત
શહેરની તમામ શાળાઓને કડક સૂચના આપવામાં આવી છે કે જો તેમણે કોઈ પણ વિશેષ પ્રવૃત્તિ કરવી હોય તો સરકારી ધારાધોરણો અને પ્રક્રિયાનું સંપૂર્ણ પાલન કરવાનું રહેશે. બિનસત્તાવાર રીતે ફી લઈને ચલાવાતા ક્લાસીસ સામે આવનારા દિવસોમાં વધુ કડક તપાસ કરવામાં આવશે.
