Ahmedabad Demolition: અમદાવાદના ચંડોળામાં ડિમોલિશનની કાર્યવાહી યથાવત, આજે ધાર્મિક દબાણો દૂર કરવાની કામગીરી શરૂ

તળાવમાંથી ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી બાદ આ કાર્ય અવિરત ચાલુ છે. તેમજ પાણીનો સંગ્રહ કરવા માટે તળાવને ઊંડું કરવાની કામગીરી પણ ઝોનમાંથી કરવામાં આવી રહી છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 28 May 2025 12:29 PM (IST)Updated: Wed, 28 May 2025 12:29 PM (IST)
ahmedabad-demolition-drive-at-chandola-lake-religious-places-brought-down-under-police-watch

Ahmedabad Chandola Demolition Update: અમદાવાદના ચંડોળા તળાવમાં રહેલા દબાણો દૂર કરવાની કામગીરી અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે. અત્યારસુધીમાં 12 હજારથી વધુ દબાણો દૂર કરીને જમીન ખુલ્લી કરવામાં આવી છે. જેનો ઉપયોગ ચંડોળા તળાવના વિકાસ અર્થે કરવામાં આવનારો છે. આજે સવારથી મહાનગરપાલિકાની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ધાર્મિક દબાણો સહિતના દબાણેને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આજે મહાનગરપાલિકાના દક્ષિણ ઝોન અને અન્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા આજે 28 મે 2025ના રોજ આજે ગરીબ નવાબ મસ્જિદ, હનુમાન મંદિર સહિતના ધાર્મિક સ્થાન દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. અગાઉ 20 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાયા હતા અને હવે અન્ય સાતથી આઠ દબાણો દૂર કરવામાં આવી રહ્યાં છે.

ચંડોળા તળાવમાં એક મોટી મસ્જિદ આવેલી છે. તેને દૂર કરવાની કામગીરી પણ હાથ ધરાઈ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ અને 500 જેટલા પોલીસકર્મીઓના બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવાની કામગીરી કરાઇ રહી છે.

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ગઇકાલે આપવામાં આવેલી વિગતો અનુસાર, અમદાવાદ શહેરના ચંડોળા તળાવમાં કુલ 11 લાખ ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવતા વિસ્તારમાં, વ્યાવસાયિક પ્રકારના 700 દબાણો સહિત કુલ 12 હજારથી વધુ કાચા-પાકા દબાણો હતા. AMC દ્વારા ચંડોળા તળાવનો સંપૂર્ણ વિકાસ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

અ.મ્યુ.કો. દ્વારા ચંડોળા તળાવમાં આવેલા કાચા-પાકા દબાણો દૂર કરવાનું ઓપરેશન તાજેતરમાં કરવામાં આવ્યું છે. તળાવ પરના દબાણો દૂર કર્યા પછી નીકળેલ કાટમાળને હટાવવા માટે અ.મ્યુ.કો. દ્વારા જે.સી.બી. મશીન નંગ 14, ટ્રક વાહન નંગ 100 તથા હિટાચી મશીન ઉપયોગ કરીને કુલ 422 ફેરામાં 3719.180 મે. ટન જેટલો કાટમાળ ટોચની અગ્રિમતા આપીને તા.27/05/2025 નાં રોજ દૂર કરવામાં આવ્યો છે.

તળાવમાંથી ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી બાદ આ કાર્ય અવિરત ચાલુ છે. તળાવમાંથી કાટમાળ દૂર કરવાની સાથે સાથે પાણીનો સંગ્રહ કરવા માટે તળાવને ઊંડું કરવાની કામગીરી પણ ઝોનમાંથી કરવામાં આવી રહી છે. જે માટે પણ તા.27/05/2025 નાં રોજ અ.મ્યુ.કો. દ્વારા 5 JCB, 28 Excavators તથા 91 ટ્રક વાહનો મુકીને તળાવનો અમુક ભાગ અંદાજે 2936 સ્કે.મીટર ઉંડો ખાડો કરી આશરે 1761.5 ઘન મીટર માટી બહાર કાઢેલ છે.

જે અ.મ્યુ.કો.ના ગાર્ડન વિભાગના ઘનિષ્ઠ વનીકરણ પ્રોજેક્ટ અંતર્ગત ગ્યાસપુર ખાતે ઉપયોગમાં લેવામાં આવનાર છે. જ્યારે દબાણો દુર કરાતા નીકળેલ કન્સ્ટ્રક્શન અને ડીમોલેશન વેસ્ટને અ.મ્યુ.કો.નાં C & D વેસ્ટ પ્રોસેસીંગ પ્લાન્ટ ખાતે વેસ્ટ માંથી જુદી જુદી પ્રોડક્ટ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવનાર છે.

અમદાવાદ શહેરમાં આશરે 11 લાખ ચોરસ મીટર વિસ્તારમાં પાણીનો સંગ્રહ થવાથી આસપાસના વિસ્તારમાં ભૂગર્ભજળનું સ્તર ઊંચું આવશે. તળાવનું પર્યાવરણીય દ્રષ્ટિએ અને અન્ય બાબતોને ધ્યાનમાં રાખીને વિકાસ કરવાથી આપણું અમદાવાદ શહેર વધુ સ્વચ્છ. આરોગ્યપ્રદ, સલામત, હરિયાળું અને સુંદર બનશે.