Ahmedabad Demolition: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બાપુનગરમાં આવેલા અકબરનગરમાં આજે ડિમોલિશન કર્યું છે. અજીત મિલ ક્રોસ રોડ પાસે આવેલી એસ. પી. ઓફિસની પાછળના વિસ્તારમાં અંદાજે 450 જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા છે. મહત્ત્વનું છે કે, આ પહેલાં AMC દ્વારા મકાન ખાલી કરવા સૂચના આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ડિમોલિશન કરાયા બાદ અત્યારે કાટમાળ દૂર કરવામાં આવી રહ્યો છે. આ પછી જમીન ખુલ્લી કરીને દિવાલ બનાવી દેવામાં આવશે.
આ પણ વાંચો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વિશાલ ખનામાએ કહ્યું કે, આજે બાપુનગર વિસ્તારમાં આવેલા અકબરનગરના છાપરા વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની જગ્યામાં 5 JCB, 2 હિટાચી બ્રેકર, 7 હિટાચી અને 14 વિશાળ મશીનરી સાથે 100 મજૂર સાથે ડિમોલિશન કરાયું છે. આ ડિમોલિશનના અંતે 15000 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાઈ છે. ગેરકાયદે બાંધકામોને જેતે સમયથી નોટિસ આપવાની શરૂઆત કરી દેવાઈ હતી. આખરે આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશન કાર્યવાહી હાથ ધરાઈ છે.
આ અંગે H ડિવિઝનના ACP આર. ડી. ઓઝાએ કહ્યું કે, આજે બાપુનગરના અકબરનગરના છાપરાના ડિમોલિશન માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે. આજે 2 ACP, 9 PI, 27 PSI, 400 પોલીસકર્મી સહિત 10 SRP સેક્સન બંદોબસ્તમાં મૂક્યા છે. શાંતિપૂર્ણ રીતે મકાનોના ડિમોલિશન કરાયું છે.
