Ahmedabad Demolition: ચંડોળામાં પોલીસ બંદોબસ્ત વચ્ચે 20 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાયા, કૂલ 2.50 લાખ સ્ક્વેર ફૂટ જગ્યા ખુલ્લી કરાઈ

ઇસનપુરમાં સૂર્યનગર પોલીસ ચોકી નજીક એક મંદિરથી બડા તળાવ દેવીપૂજક વાસ તરફ જવાના 100 મીટરના રોડ પરના તમામ દબાણો અત્યારે હાલમાં દૂર કરવામાં આવ્યા હતા.

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Thu, 22 May 2025 09:42 AM (IST)Updated: Thu, 22 May 2025 09:42 AM (IST)
ahmedabad-demolition-20-illegal-structures-removed-at-chandola-lake

Ahmedabad Chandola Demolition: AMC અને પોલીસ દ્વારા સંયુક્ત રીતે દાણીલીમડામાં ચંડોળા તળાવ અને આસપાસના વિસ્તારમાં બુધવારે સવારથી ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ચંડોળા તળાવમાં આવેલી મસ્જિદ સહિત 20 જેટલાં ધાર્મિક સ્થળોને હટાવવામાં આવ્યા હતા. આ ડિમોલિશન અંતર્ગત 8,500 જેટલા કાચા/પાકાં મકાનો દબાણો દૂર કરવાને લીધે આશરે 2.250 લાખ ચો. મી. તળાવની જગ્યા ખુલ્લી કરવામાં આવી છે.

મહત્ત્વનું છે કે, ઇસનપુરમાં સૂર્યનગર પોલીસ ચોકી નજીક એક મંદિરથી બડા તળાવ દેવીપૂજક વાસ તરફ જવાના 100 મીટરના રોડ પરના તમામ દબાણો અત્યારે હાલમાં દૂર કરવામાં આવ્યા હતા. શાહઆલમથી નારોલ PWD ઓફિસ તરફ જવાનો રોડ બંધ કરવામાં આવ્યો હતો અને ચંડોળા તળાવમાં સિરાજ નગરમાં આવેલી મસ્જિદને વહેલી સવારે તોડી પાડવામાં આવી છે. જ્યારે લલ્લુ બિહારીના ફાર્મની બાજુમાં આવેલી એક મસ્જિદને પણ તોડવાની શરૂઆત કરવામાં આવી છે.

ચંડોળા તળાવના વચ્ચેના ભાગે આવેલી તમામ મસ્જિદો સહિતના ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવામાં આવી રહ્યા છે. ચંડોળા તળાવમાં ધાર્મિક સ્થળો સહિત ગેરકાયદે બાંધકામ દૂર કરવાની કામગીરી દરમિયાન કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ચંડોળા તળાવમાં આવેલી મસ્જિદ તોડીને તેમાંથી તમામ સામાન બહાર કાઢી લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ મસ્જિદ તોડવામાં આવી હતી. ચંડોળા તળાવમાં વહીવટી તંત્ર દ્વારા તળાવની હદ નક્કી કરવામાં આવી છે. દરમિયાન છેલ્લાં બે દિવસ દરમિયાન ચંડોળા તળાવ પરિસરમાંથી દૂર કરાયેલા ગેરકાયદે બાંધકામોનો કાટમાળ દૂર કરવાની કામગીરી પૂરજોશમાં હાથ ધરાઈ છે.