અમદાવાદ: દાણીલીમડામાં 17 વર્ષીય સગીરનું અપહરણ, ગણતરીના કલાકોમાં પોલીસે કરી ત્રણ આરોપીની અટકાયત

આરોપીઓ કિશોરને બળજબરીથી પૂર્વક ગોમતીપુર લઈ ગયા, જ્યાં તેને માર મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 17 Nov 2026 10:35 PM (IST)Updated: Tue, 17 Nov 2026 10:35 PM (IST)
ahmedabad-danilimda-minor-kidnapping-and-assault-case-police-detained-three-accused
AI Generated Image

Ahmedabad Crime News: અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં એક 17 વર્ષીય કિશોરનું અપહરણ થયું હોવાની ઘટના બની છે, જેની પાછળ પિતા સાથેની જુની અદાવત કારણભૂત હતી. ત્રણ શખ્સો કિશોરને બળજબરીથી એક્ટિવા પર બેસાડીને ગોમતીપુર લઈ ગયા, જ્યાં તેને માર મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ મામલે દાણીલીમડા પોલીસે આરોપીઓની અટકાયત કરી તપાસ હાથ ધરી છે.

છરીની અણીએ કર્યું સગીરનું અપહરણ

આ બનાવની વિગતો અનુસાર, દાણીલીમડામાં રહેતી 39 વર્ષીય મહિલાના પતિ ફળનો વેપાર કરે છે. 14 નવેમ્બરની રાત્રે તેમનો 17 વર્ષીય પુત્ર મિત્રો સાથે હરીયાલીનગરના નાકે ઊભો હતો. તે દરમિયાન ગોમતીપુરના અમીરમિયા ગુલામ મિયા શેખ અને મોહમ્મદ અયાન ઈમ્તિયાઝ અહેમદ શેખ એક્સેસ ગાડી લઈને ત્યાં પહોંચ્યા હતા. આ ઉપરાંત અન્ય 2 અજાણ્યા શખ્સો બર્ગમેન ટુ-વ્હીલર પર આવ્યા હતા.

માર મારી જાનથી મારી નાખવાની ધમકી

પોલીસ ફરિયાદ મુજબ, પિતા સાથેના જુના ઝઘડાની અદાવત રાખીને આરોપીઓએ ધોરણ 12 માં અભ્યાસ કરતા તેમના પુત્રને છરી બતાવી હતી. ત્યારબાદ તેને પોતાની એક્સેસ ગાડી પર વચ્ચે બેસાડીને બળજબરીથી ત્યાંથી લઈ ગયા હતા. આરોપીઓ સગીરને ગોમતીપુર ફુવારા પાસે જાહેર રોડ પર લઈ ગયા, ત્યાં તેને માર મારવામાં આવ્યો હતો. આ દરમિયાન આરોપીઓએ તેને અને તેના પિતાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

ફરિયાદના આધારે આરોપીઓની અટકાયત

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે સગીરના પિતાએ આરોપીઓ વિશે ખરાબ બોલતો વીડિયો બનાવ્યો હતો. આ વીડિયોને લઈને જૂની અદાવત રાખવામાં આવી હોવાની અને તેના કારણે સગીરનું અપહરણ કરીને માર મારવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે.

માર મારવાના કારણે સગીરને દુખાવો થતા તેને સારવાર માટે એલ.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ મામલે સગીરની માતાએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં 3 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે દાણીલીમડા પોલીસે આરોપીની અટકાયત કરી છે અને સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.