'લગ્ન કંકોત્રી' બની સાયબર ઠગોનું નવું હથિયાર, અમદાવાદમાં યુવકના 99 હજાર થયા સાફ; જાણો આરોપીની મોડસ ઓપરેન્ડી

આ સમગ્ર મામલે ભોગ બનનાર યુવકે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 08 Sep 2026 04:02 PM (IST)Updated: Tue, 08 Sep 2026 04:02 PM (IST)
ahmedabad-cyber-fraud-whatsapp-wedding-card-link-apk-file-scam-modus-operandi
AI Generated Image

Ahmedabad Cyber Fraud: વોટ્સએપ પર આવતી લગ્નની કંકોત્રી હવે સાયબર ઠગો માટે છેતરપિંડીનું નવું હથિયાર બની રહી છે. અમદાવાદમાં એક યુવકને વોટ્સએપ પર તેના મિત્રના નામે લગ્ન કંકોત્રીની લિંક આવી હતી. જોકે, આ લિંક ખોલતાની સાથે જ તેના મોબાઈલમાં એક શંકાસ્પદ APK ફાઈલ ઈન્સ્ટોલ થઈ ગઈ અને તેના બેંક ખાતામાંથી 99 હજાર ઉપડી ગયા. આ ઘટના અંગે ભોગ બનનાર યુવકે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

લગ્ન કંકોત્રીની લિંક ખોલવી પડી ભારે પડ્યો

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં આવેલી ચોર્યાશીની ચાલીમાં રહેતા હસમુખ મકવાણા ટ્રાવેલ્સની એક ઓફિસમાં નોકરી કરે છે. ગત 2 સપ્ટેમ્બરના રોજ રાત્રે તેઓ પોતાના ઘરે મોબાઈલ જોઈ રહ્યા હતા, તે દરમિયાન વોટ્સએપ પર તેમના મિત્ર જગદીશના નામે લગ્નની કંકોત્રી આવી હતી. આ કંકોત્રી મિત્રના નામે આવી હોવાથી હસમુખભાઈએ તેના પર વિશ્વાસ કરીને તેમાં આપેલી લિંક પર ક્લિક કર્યું હતું.

લિંક ખોલતા જ APK ફાઈલ ઈન્સ્ટોલ થઈ ગઈ

હસમુખભાઈએ લિંક પર ક્લિક કરતાની સાથે જ એક અજાણ્યું વેબ પેજ ખુલ્યું હતું અને તેમના મોબાઈલ ફોનમાં આપોઆપ એક APK ફાઈલ ડાઉનલોડ થઈને ઈન્સ્ટોલ થઈ ગઈ હતી. આ ફાઈલ ઈન્સ્ટોલ થયા બાદ હસમુખભાઈને મોબાઈલના ઉપયોગ દરમિયાન કંઈક શંકાસ્પદ થયું હોવાનો તુરંત અહેસાસ થયો હતો.

બેંક ખાતામાંથી એકસાથે 99 હજાર થયા સાફ

મોબાઈલમાં અજુગતી હલચલ દેખાતા જ તેમણે પોતાના બેંક ખાતાની વિગતો અને બેલેન્સ તપાસ્યું હતું. બેંક એકાઉન્ટ તપાસતા જ તેમના હોશ ઉડી ગયા, કારણ કે તેમના ખાતામાંથી કોઈ પણ પ્રકારની મંજૂરી વિના 99 હજારનું ટ્રાન્જેક્શન થઈ ગયું હતું. અજાણ્યા સાયબર અપરાધીએ લગ્નની કંકોત્રીના બહાને બોગસ લિંક મોકલી, મોબાઈલનો કંટ્રોલ મેળવવા માટે આ APK ફાઈલ ઈન્સ્ટોલ કરી અને બેંક ખાતામાંથી ઓનલાઈન નાણાં ઉપાડી લીધા હતા.

આ ઘટના બાદ હસમુખ મકવાણાએ તાત્કાલિક કાગડાપીઠ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો અને અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. હાલમાં પોલીસે ગુના સંબંધિત મોબાઈલ લિંક, ઈન્સ્ટોલ થયેલી APK ફાઈલ અને બેંક ટ્રાન્ઝેક્શનની વિગતો મેળવીને સાયબર ગુનેગારોને પકડવા માટે સઘન તપાસ શરૂ કરી છે.