સાયબર ક્રાઇમ સેલના નામે 'ડિજિટલ એરેસ્ટ': અમદાવાદના યુવક પાસેથી બ્લેકમેઇલરોએ 50 લાખ પડાવ્યા

અમદાવાદના વાડજમાં 26 વર્ષીય એકાઉન્ટન્ટ યુવક અશ્લીલ વીડિયો કોલ અને 'ડિજિટલ એરેસ્ટ' સ્કેમમાં ફસાયો. નકલી સાયબર અધિકારી બની બ્લેકમેઇલરોએ ₹50 લાખ પડાવ્યા, સાયબર સેલમાં ગુનો દર્જ.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Mon, 05 Oct 2026 11:18 AM (IST)Updated: Mon, 05 Oct 2026 11:18 AM (IST)
ahmedabad-cyber-crime-nude-video-call-scam-digital-arrest-50-lakh-fraud-accountant

Ahmedabad News: અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી સાયબર ક્રાઈમને લગતી ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. સાયબર ગઠિયાઓ APK ફાઈલ્સ, ઓનલાઇન બેંકિગ સ્કેમ, હેકિંગ, ડિજિટલ એેરેસ્ટ કરીને લોકો સાથે છેતરપિંડી આચરે છે. ઘણીવાર વોટ્સએપના માધ્યમથી ન્યુડ વીડિયો કોલ કરીને લાખો રુપિયા પડાવ્યાની ઘણી ચોંકાવનારી ઘટનાઓ બની છે. આવો જ એક સનસનાટીભર્યો અને ચોંકાવનારો બનાવ અમદાવાદના વાડજમાંથી સામે આવ્યો છે. જેમાં સાયબર અપરાધીઓએ એક યુવકને વોટ્સએપ પર અશ્લીલ વીડિયો કોલ કરી ડિજિટલ એરેસ્ટ કરીને 50 લાખ પડાવી લીધા છે.

શું છે સમગ્ર મામલો

મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં રહેતો એક 26 વર્ષીય એકાઉન્ટન્ટ યુવક સાયબર અપરાધીઓની જાળમાં ફસાઈ ગયો હતો. યુવકે જયારે વીડિયોકોલ ઉઠાવ્યો ત્યારે સામે એક યુવતી નગ્નાવસ્થામાં હતી. આ સમગ્ર વીડિયો કોલનું સ્ક્રીન રેકોર્ડિંગ આરોપીઓએ કરી લીધું હતું. ત્યારબાદ યુવકને ફસાવવા અને રુપિયા પડાવવાના હેતુથી તેને બે વીડિયો મોકલી આપ્યા હતા.

યુવકને કરાયો ડિજિટલ એરેસ્ટ

સાયબર અપરાધીઓએ વીડિયો વાયરલ ન કરવા માટે રુ. 71 હજારની માગણી કરી હતી. બદનામી અને સમાજમાં નામ ન ખરાબ થાય તે ડરે યુવકે પૈસા આપી દીધા હતા. પરંતુ અહીંથી ખેલ શરુ થયો હતો. નાણાં ચૂકવી દીધા બાદ બીજા નંબરથી યુવકને કોલ આવ્યો. સામેની વ્યક્તિ પોતે સાયબર ક્રાઈમ સેલના અધિકારી તરીકેની ઓળખાણ આપી હતી. તેમજ યુવકને ધમકાવ્યો કે, તેના વીડિયો અપલોડ કરવા પર સજાની જોગવાઈ છે. સાઈબર ક્રાઈમ દ્વારા યુવક પર કાર્યવાહી કરવામાં આવશે. આવું કહીને યુવકને ડિજીટલ એરેસ્ટ ક્યો હતો.

યુવકના 50 લાખ પડાવી લીધા

પીડિત યુવકને ખરાબ રીતે પોતાની જાળમાં ફસાવી લીધા બાદ સાયબર ઠગોએ રુપિયાની માગણી કરી હતી. સાયબર અપરાધીઓના ડરથી યુવકે કંપનીના બેન્ક ખાતામાંથી 40 લાખ આરોપીઓને મોકલ્યા હતા. ત્યારબાદ ગઠિયાઓએ વધુ નાણાની માગણી કરતાં યુવકે બીજા 10 લાખની રકમ મોકલી હતી. પરંતુ આટલેથી ન અટકતાં ગુનેગારોએ સતત નાણાની માંગ કરી હતી. છેવટે યુવકે આરોપીઓ સામે અમદાવાદ સાયબર ક્રાઈમ સેલમાં ગુનો નોંધાવતા ઘટના અંગે કાર્યવાહી હાથ ધરાઈ છે. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ઘણા લોકો ડિજિટલ એરેસ્ટનો શિકાર બને છે.