Ahmedabad: સોલામાં જાહેર રોડ પર સર્જાયા ફિલ્મી દ્રશ્યો, પ્રેમ પ્રકરણમાં ધોળે દહાડે ધડાધડ બે રાઉન્ડ ફાયરિંગ; ગોળી વાગતા યુવક લોહીલુહાણ

પિતરાઈ બહેનના પ્રેમી સાથે બોલાચાલી બાદ ભાઈએ ઉશ્કેરાઈને પોતાની પાસે રહેલી રિવોલ્વર કાઢીને ફાયરિંગ કરતા પાટણના યુવકને પગમાં ગોળી ઘૂસી ગઈ.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 15 Feb 2026 05:40 PM (IST)Updated: Sun, 15 Feb 2026 05:43 PM (IST)
ahmedabad-crime-news-youth-shot-in-leg-after-heated-argument-over-relationship
HIGHLIGHTS
  • પ્રેમસબંધને લઈને બન્ને પક્ષો વચ્ચે પહેલા સમાધાન થઈ ગયું હતુ

Ahmedabad: અમદાવાદના સોલા વિસ્તારમાં પ્રેમ પ્રકરણમાં જાહેર રોડ પર ફાયરિંગની ઘટના સામે આવી છે. જેમાં ભાઈએ પોતાની પિતરાઈ બહેન સાથે પ્રેમ સબંધ રાખનારા પાટણના યુવકને પગમાં ગોળી મારી દીધી છે. હાલ ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

ચાણક્યપુરીમાં બોલાચાલી બાદ ઉશ્કેરાઈને રિવૉલ્વર કાઢીને ધડાધડ ફાયરિંગ કર્યું
આ ઘટનામાં હુમલાખોર મોન્ટુ દેસાઈની કાકાની દીકરીને પાટણના એક યુવક સાથે પ્રેમસબંધ હતો.જેને લઈને બન્ને પક્ષો વચ્ચે પહેલા પણ વિવાદ થયો હતો. જો કે જે-તે સમયે બન્ને પક્ષોએ સમાધાન થઈ ગયું હતુ.

આમ છતાં મોન્ટુ દેસાઈના મનમાં આ બાબતનો ખાર હતો. એવામાં આજે મોન્ટુ દેસાઈ અને પાટણનો યુવક ચાણક્યપુરી વિસ્તારના ઉગતી બંગલોઝ ચાર રસ્તા નજીક ભેગા થઈ ગયા હતા. જ્યાં બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન ઉશ્કેરાયેલા મોન્ટુ દેસાઈએ પોતાની પાસે રહેલી રિવૉલ્વર કાઢીને સામેના યુવક પર ધડાધડ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતુ.

જેમાં એક ગોળી યુવકના પગમાં ઘૂસી જતાં તે ઘટના સ્થળે જ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. ગોળીબારનો અવાજ થતાં આસપાસના લોકો એકઠા થઈ જતાં મોન્ટુ દેસાઈ ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો.

બીજી તરફ આ બનાવની જાણ થતાં સોલા પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જેમણે ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. હાલ તો પોલીસે મોન્ટુ દેસાઈ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરીને તેની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.