Ahmedabad: વસ્ત્રાલમાં ઘરમાં ઘૂસી પરિણીતાની ઘાતકી હત્યા, જૂના પાડોશીએ સાસુની નજર સામે જ છરીથી પુત્રવધુનું આંતરડાં ખેંચી કાઢ્યા

પ્રેમસબંધની જાણ થતા બન્ને પરિવારો વચ્ચે માથાકૂટ પણ થઈ હતી. આખરે મૃતકનો પરિવાર બીજે રહેવા જતો રહ્યો હતો. જ્યાં પણ પ્રેમી બાળકોને જાનથી મારી નાંખવાની ધમકી આપીને મળવા બોલાવતો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 28 May 2025 08:58 PM (IST)Updated: Wed, 28 May 2025 08:58 PM (IST)
ahmedabad-crime-news-old-neighbour-killed-lover-in-vastral
HIGHLIGHTS
  • મૃતક પરિણીતા અને હત્યારા જૂના પાડોશી વચ્ચે અગાઉ પ્રેમ સબંધ હતો

Ahmedabad: શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં પરિણીતાની ઘરમાં ઘૂસીને ઘાતકી હત્યા કરવામાં આવી હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. જેમાં મૃતકે મળવા આવવાનો ઈનકાર કરતાં જૂનો પાડોશી ઘરમાં ઘૂસી ગયો હતો અને સાસુની નજર સામે જ પુત્રવધુને છરીના આડેધડ ઘા ઝીંકી દીધા હતા.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગઈકાલે સાંજે 7 વાગ્યાના અરસામાં વસ્ત્રાલ વિસ્તારની હર ભોળેનાથ સોસાયટીમાં રહેતી અંકિતા પ્રજાપતિ નામની પરિણીતાની તેના જ ઘરમાં છરીના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી. આ મામલે મૃતકના પતિની ફરિયાદના આધારે પોલીસે હત્યારા એવા મૃતકના જૂના પાડોશી અશોક પટેલની અટકાયત કરી હતી.

પોલીસની પૂછપરછમાં સામે આવ્યું કે, મૃતક અંકિતા અને આરોપી અશોક પટેલ વચ્ચે અગાઉ પ્રેમસબંધ હતો. આ બાબતની જાણ થતાં બન્ને પરિવાર વચ્ચે માથાકૂટ પણ થઈ હતી. આખરે મૃતક મહિલા, પતિ, 14 વર્ષની દીકરી અને સાસુ સાથે હર ભોળેનાથ સોસાયટીમાં રહેવા આવી ગઈ હતી.

આમ છતાં આરોપી અશોક મૃતકનો પીછો છોડતો નહતો. અશોક અવારનવાર મૃતકના નવા ઘરની આસપાસ આંટા મારતો અને મળવા માટે દબાણ કરતો હતો. જો મૃતક ના પાડે, તો જાનથી મારી નાંખવાની ધમકી આપતો હતો.

ગઈકાલે પણ સાંજે સાતેક વાગ્યાની આસપાસ મૃતકે મળવાનો ઈનકાર કરતાં અશોક પટેલ તેના ઘરમાં ઘૂસી ગયો હતો. આ સમયે મૃતકના સાસુ ઘરે હાજર હતા, ત્યારે અશોકે મૃતક સાથે મળવા ના આવવા બાબતે માથાકૂટ કરવા લાગ્યો હતો. આ દરમિયાન આવેશમાં આવેલા અશોકે પોતાની પાસે રહેલી છરી કાઢીને અંકિતા પર તૂટી પડ્યો હતો અને આંતરડા બહાર ના આવે ત્યાં સુધી ઘા ઝીંક્યા હતા. આ દરમિયાન બૂમાબૂમ થતાં અશોક પોતાના મિત્ર સન્ની પટેલની બાઈક પર બેસીને ફરાર થઈ ગયો હતો. હાલ તો રામોલ પોલીસે મૃતકના પતિની ફરિયાદના આધારે અશોક પટેલ અને સન્ની પટેલની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.