Ahmedabad: શહેરના ઓઢવ વિસ્તારમાં એક મહિલાએ ઘરકામમાં મદદ ના કરતી પોતાની 6 વર્ષની દીકરીની ઠંડા કલેજે હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે બાળકીના પિતાએ જ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યારી માતાની ધરપકડ કરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગત 2જી જુલાઈના રોજ પહેલા ધોરણમાં અભ્યાસ કરતી આરુષી લોઢા બપોરના 12 વાગ્યે સ્કૂલેથી ઘરે આવ હતી. જ્યાં સાડા 3 વાગ્યાની આસપાસ તેની માતા ઉષા લોઢીએ તેને ઘરકામમાં મદદ કરવાનું જણાવ્યું હતુ. જો કે આરુષીએ ઈન્કાર કરતાં આવેશમાં આવેલી ઉષાએ પોતાની દીકરીના ગાલ પર તમાચા ચોડી દીધા હતા. આટલેથી ના અટકતા ઉષાએ ગળું દબાવી દેતા આરુષી બેશુદ્ધ બની ગઈ હતી.
જેથી ગભરાયેલી ઉષાએ પોતોના પતિ અમિતકુમારને ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે, આરુષી સૂઈ ગઈ છે અને હવે ઉઠી નથી રહી. આથી પિતા તાત્કાલિક ઘરે દોડી આવ્યા હતા અને આરુષીને લઈને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે બાળકીને મૃત જાહેર કરતા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યો હતો.
બીજા દિવસે ઉષાએ પોતાના પતિ સમક્ષ પોતે જ આરુષીનું ગળું દબાવીને તેની હત્યા કરી હોવાની ચોંકાવનારી કબૂલાત કરી હતી. આ મામલે અમિતકુમારે ઓઢવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી માતાની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૂળ ઉત્તર પ્રદેશના વતની અમિતકુમાર તેમની બીજી પત્ની ઉષા સાથે દોઢ વર્ષથી અમદાવાદમાં રહેતા હતા. જ્યારે મૃતક આરુષી ઉષાની જ અગાઉના લગ્ન થકી જન્મેલી પુત્રી હોવાનું માલૂમ પડ્યું છે.
