Ahmedabad Organ Donation: પતિના અવસાનના અસહ્ય દુઃખ વચ્ચે પત્નીએ એક માનવતાભર્યો નિર્ણય લઈને અંગદાનની સંમતિ આપી છે. આ વૃદ્ધના 1 લિવર, 2 કિડની અને 2 આંખોના દાનથી 5 જરૂરિયાતમંદ દર્દીઓને જીવનદાન અને દ્રષ્ટિની નવી આશા મળશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આ 262 મું અંગદાન થયું છે.
62 વર્ષીય પુરુષ બ્રેઈનડેડ જાહેર
અમદાવાદના રહેવાસી 62 વર્ષીય પુરુષને માર્ગ અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને સારવાર માટે ગત 19 નવેમ્બરના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલના નિષ્ણાત તબીબોની ટીમે તેમને બચાવવા માટે શક્ય તમામ સારવાર અને પ્રયાસો કર્યા હતા. જોકે, માથામાં થયેલી ગંભીર ઈજાઓને કારણે 21 નવેમ્બર, 2026 ના રોજ તબીબોએ તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.
પત્નીએ અંગદાનની સંમતિ આપી
દર્દીને બ્રેઈનડેડ જાહેર કર્યા બાદ સિવિલ હોસ્પિટલની કાઉન્સેલિંગ ટીમ અને તબીબોએ તેમના પત્ની સાથે સંવેદનાપૂર્વક વાતચીત કરી હતી. આ દરમિયાન તેમને બ્રેઈનડેથની તબીબી સ્થિતિ તેમજ અંગદાન દ્વારા અન્ય જરૂરિયાતમંદ વ્યક્તિને જીવનદાન આપી શકાય છે તે અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.
પતિને ગુમાવવાના અસહ્ય દુઃખ વચ્ચે પણ પત્નીએ હિંમત અને માનવતાનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેમણે અંગદાન માટે લેખિત સંમતિ આપી હતી. તેમના આ નિર્ણયથી 5 જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન અને દ્રષ્ટિની નવી આશા મળી છે.
લીવર-કિડની અને 2 આંખોનું દાન
આ અંગદાન થકી એક લીવર અને 2 કિડની મળી કુલ 3 મહત્વપૂર્ણ અંગોનું દાન પ્રાપ્ત થયું હતું. આ ઉપરાંત 2 આંખોનું પણ દાન કરવામાં આવ્યું હતું. આ રીતે એક પરિવારના માનવતાભર્યા નિર્ણયથી 3 દર્દીઓને અંગ પ્રત્યારોપણ દ્વારા નવજીવન મળવાની આશા છે, જ્યારે 2 દર્દીઓને દ્રષ્ટિ મળી શકશે.
દાનમાં મળેલું લીવર અને બંને કિડની સિવિલ મેડિસિટી કેમ્પસમાં આવેલી કિડની હોસ્પિટલ (IKDRC) ખાતે જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ માટે મોકલવામાં આવ્યા હતા. જ્યારે બંને આંખો સિવિલ કેમ્પસમાં આવેલી એમ.એન.જે. આંખની હોસ્પિટલ દ્વારા સ્વીકારવામાં આવી હતી.
સિવિલ હોસ્પિટલમાં 262મું અંગદાન
આ 262મા અંગદાન સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કુલ 1,137 અંગો અને પેશીઓનું દાન પ્રાપ્ત થયું છે. તેમાં 871 મહત્વપૂર્ણ અંગો અને 266 પેશીઓનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં મળેલા 871 મહત્વપૂર્ણ અંગોમાં 484 કિડની, 236 લીવર, 84 હૃદય, 34 ફેફસાં, 25 સ્વાદુપિંડ, 6 હાથ, 2 નાના આંતરડા, 214 આંખો અને 52 ચામડીનું દાન સામેલ છે. આ આંકડા સિવિલ હોસ્પિટલમાં અંગદાન અને પેશીદાન ક્ષેત્રે થયેલી કામગીરી દર્શાવે છે.
અંગદાન અનેક પરિવારોના જીવનમાં નવો ઉજાસ લાવે છે: ડૉ. રાકેશ જોશી
પરિવારના આ નિર્ણયને બિરદાવતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, "પોતાના જીવનસાથીને ગુમાવવાની અત્યંત કપરી અને દુઃખદ ઘડીમાં પણ પરિવાર દ્વારા લેવાયેલો અંગદાનનો આ નિર્ણય સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ છે. અંગદાન એ મહાદાન છે અને તે અનેક પરિવારોના જીવનમાં નવો ઉજાસ લાવે છે."
