Rajkot News: રાજકોટ પંથકના ગોંડલિયા પરિવારે પોતાના 42 વર્ષીય સ્વજન જયેશભાઈ મનસુખભાઈ ગોંડલિયા બ્રેઇન ડેડ થતાં તેમના હૃદય, બે કિડની, લીવર અને આંખોનું દાન કરીને દુઃખની આ ઘડીમાં પણ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ અંગદાન થકી અનેક જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળવાનો આશાવાદ બંધાયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામના રહેવાસી 42 વર્ષીય ખેડૂત જયેશભાઈ ગોંડલિયાને તાજેતરના એક અકસ્માત બાદ મગજમાં ગંભીર ઇજા થઈ હતી, જેના કારણે તેમને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. આ અત્યંત દુઃખદ પરિસ્થિતિમાં પણ જયેશભાઈના પરિવારે, જેમાં તેમના ધર્મપત્ની ભાવનાબેન, પુત્ર નિર્ભય, પુત્રી માહી, પિતા મનસુખભાઈ, માતા લાભુબેન તથા ભાઈઓ અરવિંદભાઈ અને પ્રવીણભાઈનો સમાવેશ થાય છે, અસાધારણ હિંમત અને સંવેદનશીલતા દાખવી અંગદાન કરવાનો મહાન નિર્ણય લીધો હતો.
પરિવારના આ સરાહનીય નિર્ણયમાં તેમના સગા-સંબંધીઓ દીપેશભાઈ રાજ્યગુરુ, ગોકુલેશભાઈ ગોંડલિયા, મનીષભાઈ ગજેરા, નવનીતભાઈ ભુવા, સંદીપભાઈ ઉંધાડ, સંજયભાઈ ચોવટિયા, સ્નેહલભાઈ ભટ્ટ સહિતના મિત્રોએ કપરી ઘડીમાં પરિવારને પૂરો સહયોગ આપ્યો હતો. દર્દીને બ્રેઇન ડેડ જાહેર કરવા માટે ગોકુલ હોસ્પિટલની ક્રિટિકલ કેર ટીમ અને ન્યુરો ફિઝિશિયન ડૉ. કૌમિલ કોઠારીનો સહયોગ પ્રાપ્ત થયો હતો.
આ સમગ્ર પ્રક્રિયા નેફ્રોલોજિસ્ટ ડૉ. દિવ્યેશ વિરોજા અને તેમની ટીમમાં ડૉ. શક્તિસિંહ ઝાલા, ડૉ. આનંદ, ડૉ. ધીરજ તેમજ બી. ટી. સવાણી કિડની હોસ્પિટલની ICU ટીમના સહયોગથી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. હૃદય માટે અમદાવાદની સિમ્સ હોસ્પિટલ અને લિવર માટે ઝાયડસ હોસ્પિટલની ટીમ દ્વારા અંગોનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું. જ્યારે બંને કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ રાજકોટની બી. ટી. સવાણી હોસ્પિટલમાં જ જરૂરિયાતમંદ દર્દીઓમાં કરાયું હતું. આ સર્જિકલ ટીમમાં ડૉ. પંકજ ઢોલરિયા, ડૉ. સુનિલ મોટેરિયા, ડૉ. અમિષ મહેતા, ડૉ. સાહિલ ખાંટ તથા એનેસ્થેસિયા નિષ્ણાત ડૉ. પ્રતિક બુદ્ધદેવ અને તેમની ટીમે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આ ઉપરાંત, ડૉ. હેમલ કણસાગરાની ટીમ દ્વારા ચક્ષુદાનની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી.
બી. ટી. સવાણી કિડની હોસ્પિટલના ટ્રાન્સપ્લાન્ટ કોર્ડીનેટર ડૉ. અમિત ગોહેલ, સી.ઓ.ઓ. ડૉ. વિશાલ ભટ્ટ તથા સી.એ.ઓ. રશ્મિનભાઈ ગોર દ્વારા આ સમગ્ર પ્રક્રિયાનું સુચારુ સંકલન કરવામાં આવ્યું હતું. હોસ્પિટલના ચેરમેન જયંતીભાઈ ફળદુએ આખી પ્રક્રિયા દરમિયાન હાજર રહી સમગ્ર ટીમને પ્રોત્સાહિત કર્યા હતા. રાજકોટ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા આ ૧૨૧મું અંગદાન હતું, જ્યારે હૃદયનું ૭મું અંગદાન નોંધાયું છે. આ અંગદાનની પ્રક્રિયા માટે ડૉ. દિવ્યેશ વિરોજા, હર્ષિતભાઈ કાવર, ડૉ. સંકલ્પ વણઝારા, ભાવનાબેન મંડલી, નીતિનભાઈ ઘાટલિયા અને મનસુખભાઈ તલસાણીયા સહિતના સભ્યોએ સતત ખડેપગે રહી સેવા આપી હતી.
આ પવિત્ર નિર્ણયને સાકાર કરવા માટે રાજકોટની બી. ટી. સવાણી હોસ્પિટલ ખાતે ઓર્ગન હાર્વેસ્ટિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જીવનની અંતિમ ક્ષણોમાં પણ જયેશભાઈના અંગોએ અનેક અજાણ્યા જીવોને નવી આશા આપી છે. એક ખેડૂતના આ અકાળ અવસાનથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે, પરંતુ આ જ પરિવારનો સંવેદનશીલ અને મહાન નિર્ણય અનેક પરિવારોના જીવનમાં ખુશીના દીવા પ્રગટાવશે. જયેશભાઈ ગોંડલિયા ભલે આજે શારીરિક રીતે આપણી વચ્ચે નથી, પરંતુ તેમના અંગદાન દ્વારા તેઓ અનેક લોકોના હૃદયમાં સદાય જીવંત રહેશે.
