'પિતાએ બનાવેલા ઘરમાં પુત્ર-પુત્રવધુનો હક નથી', 13 વર્ષ જૂના કેસમાં અમદાવાદ સિવિલ કોર્ટનો મહત્વનો ચુકાદો

પુત્ર અને પુત્રવધુના ઝગડાથી કંટાળી પિતાએ બંનેને ઘરમાંથી બહાર કાઢવાના અધિકારની માંગ કરતા કોર્ટમાં અરજી કરી હતી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 29 Sep 2026 11:21 AM (IST)Updated: Tue, 29 Sep 2026 11:21 AM (IST)
ahmedabad-civil-court-verdict-son-daughter-in-law-no-right-on-self-acquired-property-case-legal-news
Symbolic Image

Ahmedabad Property Case: અમદાવાદની સિવિલ કોર્ટે 13 વર્ષની લાંબી કાનૂની લડાઈ બાદ એક બુઝુર્ગ પિતાના પક્ષમાં ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે, પિતાની પોતાની કમાણીથી ખરીદેલી મિલકત પર પુત્ર અને પુત્રવધુનો કોઈ કાનૂની હક નથી. આ સાથે જ અમદાવાદ સિવિલ કોર્ટે દંપતીને 90 દિવસમાં ઘર ખાલી કરવાનો આદેશ આપ્યો છે.

પુત્ર-પુત્રવધુના ઝગડાથી કંટાળી પિતાએ કરી અરજી

આ કાનૂની વિવાદની વિગત મુજબ વૃદ્ધ વ્યક્તિના પુત્ર અને પુત્રવધુના લગ્ન વર્ષ 2002માં થયા હતા. તેઓ ઘરના ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા હતા, જ્યારે પિતા પ્રથમ માળે રહેતા હતા. પુત્રવધૂ સાથે તેની દીકરી પણ રહેતી હતી. પતિ-પત્ની વચ્ચેના સતત ઝઘડાને કારણે તેઓ અલગ-અલગ રૂમમાં રહેવા લાગ્યા હતા, ત્યારબાદ પુત્રએ કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી હતી.

પુત્ર અને પુત્રવધુના ઝઘડાઓ અને ઘર કંકાસથી તંગ આવીને પિતાએ વર્ષ 2013માં કોર્ટના દરવાજા ખટખટાવ્યા અને બંનેને ઘરમાંથી બહાર કાઢવાના અધિકારની માંગ કરી હતી. પિતાએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે તેમણે આ મિલકત 1980ના દાયકામાં પોતાની કમાણીમાંથી ખરીદી હતી અને તેઓ જ તેના એકમાત્ર કાયદેસરના માલિક છે.

પુત્રવધૂના ગંભીર આક્ષેપો અને 'સાઝા ઘર' નો દાવો

પિતાએ દાવો કર્યો હતો કે, વારંવાર કહેવા છતાં પણ પુત્ર અને પુત્રવધુએ ઘર ખાલી કરવાનો ઈનકાર કર્યો અને મિલકત પર પોતાનો અધિકાર દર્શાવ્યો હતો. આ કેસની સુનાવણી દરમિયાન પુત્રએ કોર્ટમાં પિતાના કેસનો કોઈ વિરોધ કર્યો ન હતો. પુત્રવધૂએ આરોપ લગાવ્યો કે, આ કેસ તેના પતિની મિલીભગતથી દાખલ કરવામાં આવ્યો છે, જેથી ચાલી રહેલા વૈવાહિક વિવાદમાં તેના પર દબાણ બનાવી શકાય.

પુત્રવધૂએ એવો પણ ગંભીર આક્ષેપ કર્યો હતો કે તેનો પતિ અન્ય મહિલા સાથે સંબંધ ધરાવતો હોવાથી છૂટાછેડા મેળવવા માંગે છે. આ ઘર તેનું વૈવાહિક ઘર (સાઝા ઘર) હોવાની દલીલ કરીને તેણે પોતાની દીકરી સાથે એક રૂમમાં રહેવાનો અધિકાર દર્શાવ્યો હતો અને જણાવ્યું હતું કે, ઘરેલુ હિંસા (DV Act) કાયદા હેઠળ તેને ઘરમાંથી કાઢી શકાય નહીં.

ચુકાદો: સાસુ-સસરાની અંગત મિલકત સાઝા ઘર નથી

સિટી સિવિલ જજ વી. એ. ધાધલે બંને પક્ષની દલીલો અને પુરાવા ધ્યાને લીધા બાદ મહત્વનો આદેશ આપ્યો હતો. કોર્ટે નોંધ્યું કે દસ્તાવેજી પુરાવાથી સ્પષ્ટ સાબિત થાય છે કે મિલકત પર ફક્ત બુઝુર્ગ પિતાનો જ માલિકી હક છે અને તેને ખરીદવામાં પુત્ર કે પુત્રવધૂનું કોઈ આર્થિક યોગદાન નહોતું.

માનનીય સુપ્રીમ કોર્ટના ચુકાદાનો સંદર્ભ આપતા સિવિલ કોર્ટે સ્પષ્ટ કર્યું કે, "સાસુ-સસરાની પોતાની કમાણીથી ખરીદેલી અંગત મિલકતને પુત્રવધૂ માટે 'સાઝા ઘર' (Shared Household) ગણી શકાય નહીં." આથી ઘરેલુ હિંસા સંબંધિત કાયદા હેઠળ પુત્રવધૂને આવી મિલકતમાં રહેવાનો કોઈ અધિકાર મળતો નથી.

કોર્ટે સ્પષ્ટતા કરી કે, ઘરમાંથી ખાલી કરાવવાનો આ આદેશ દંપતીની પુત્રી પર લાગુ થશે નહીં, કારણ કે તે હવે પુખ્ત વયની (બાલિગ) થઈ ચૂકી છે અને દાદાએ તેની સામે કોઈ રાહત કે માંગણી કરી નહોતી. આમ, 13 વર્ષની લાંબી કાનૂની લડાઈ બાદ કોર્ટે બુઝુર્ગ પિતાને ન્યાય આપતા પુત્ર અને પુત્રવધુને 90 દિવસની અંદર ઘર ખાલી કરવાનો આદેશ આપ્યો છે.