અમદાવાદમાં બાળ તસ્કરીના રેકેટનો પર્દાફાશઃ ન્યૂ રાણીપમાંથી ઉઠાવેલા બાળકનો રૂ. 10 લાખમાં સોદો થયો હતો, યુવતી સહિત 4 ઝબ્બે

અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં 37 દિવસના બાળકના અપહરણ કેસમાં તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાળ તસ્કરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. જેમાં એક યુવતી, બે સગીર અને ઉત્તર પ્રદેશના એક એજન્ટ સહિત 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 06 Oct 2026 05:21 PM (IST)Updated: Tue, 06 Oct 2026 05:21 PM (IST)
ahmedabad-child-trafficking-racket-busted-4-arrested-for-kidnapping-infant-rs-10-lakh-deal-exposed

Ahmedabad Child Trafficking Racket: ગત 2 ઓક્ટોબરના રોજ શહેરના ન્યૂ રાણીપ વિસ્તારમાં 37 દિવસના બાળકનું અપહરણ કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી હતી. આ મામલે તપાસ કરતી ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાળ તસ્કરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. જેમાં એક યુવતી, બે સગીર અને ઉત્તર પ્રદેશના એક ઈસમની ધરપકડ કરી છે.


હકીકતમાં ગત 2 ઓક્ટોબરે 2 AM કલાકે ન્યૂ રાણીપ વિસ્તારના અહુલવાડિયા તળાવ પાસે એક શ્રમજીવી દંપતીનું 37 દિવસનું બાળક ખાટલામાં સૂઈ રહ્યું હતુ. પરોઢે સવા 3 વાગ્યાની આસપાસ દંપતી ઉઠ્યું, ત્યારે ખાટલામાં બાળકને ના જોતા તેમના દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.

આ બાબતની જાણ થતાં સાબરમતી પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર આવી પહોંચી હતી. જ્યારે ઘટનાની ગંભીરતાને જોતા સાબરમતી પોલીસ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચની ટીમના 100 જેટલા અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ પર નાકાબંધી ગોઠવવામાં આવી હતી.

પોલીસની ટીમોએ CCTV ફૂટેજ ચકાસતા એક્ટિવા પર આવેલી એક યુવતી બાળકને ઉઠાવીને જતી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જ્યારે બીજા દિવસે અપહ્યત બાળક તળાવ નજીકથી મળી આવતા પોલીસે તેના પરિવારને સોંપીને CCTVના આધારે તપાસનો દૌર લંબાવ્યો હતો.

આ દરમિયાન બાળકને ઉઠાવી જનાર યુવતી રાણીપમાંથી જ મળી આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ પૂછપરછમાં યુવતીની ઓળખ જીનલ પરમાર તરીકે થઈ હતી. જેણે પોતે જ બાળક ઉઠાવ્યું હોવાની કબૂલાત કરી હતી.

જીનલે જણાવ્યું કે, અગાઉ તે નોઈડામાં ઝેપ્ટોમાં કામ કરતી હતી, જ્યાં ભુવનેશ નામનો યુવક તેના સંપર્કમાં આવ્યો હતો. ભુવનેશે એક મહિનાનું બાળક શોધી આપે, તો 2 લાખ રૂપિયા આપવાનું કહ્યું હતુ. જેથી જીનલે બે સગીરોની મદદથી અમદાવાદમાં બાળક શોધવા નીકળી હતી. જેમાં ન્યૂ રાણીપ તળાવ નજીક માતા-પિતા સાથે સૂઈ રહેલું બાળક ધ્યાને આવતા તેને ઉઠાવી લીધુ હતુ. આ બાળકને નોઈડા લઈ જવા માટે તેઓ સાબરમતી સ્ટેશને પહોંચ્યા હતા, પરંતુ પોલીસની ધોંસ વધતાં તેને ફરીથી તળાવ પાસે બિનવારસી છોડીને જતા રહ્યા હતા.

આ સમગ્ર મામલે ઉત્તર પ્રદેશથી ભુવનેશની પણ ધરપકડ કરવામાં આવી છે. ભુવનેશે નિઃસંતાન દંપતી સાથે બાળકનો રૂ. 10 લાખમાં સોદો કર્યો હોવાનું સામે આવ્યું છે. હાલ તો આ સમગ્ર મામલે જીનલ પરમાર, ઉત્તર પ્રદેશના ભુવનેશ સહિત બે સગીરની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.