Ahmedabad Chandola Demolition: ચંડોળા તળાવની 11 લાખ ચોરસ મીટરમાંથી 3.50 લાખ ચો.મી. જગ્યામાં ગેરકાયદે મકાનો અને રિસોર્ટ જેવા લક્યુરિયસ ફાર્મહાઉસ દૂર કરી દેવાયા છે. જેમાં કેટલાંક ધાર્મિક સ્થળો પણ દૂર કરાયાં હતાં અને કેટલાક બાકી હતાં. જેમાંથી બુધવાર સવારથી ડિમોલિશનની કામગીરી આગળ વધારી 3 મંદિર અને 3 મસ્જિદ મળી કુલ 6 ધાર્મિક સ્થળો દૂર કરાતા તણાવભરી સ્થિતિ જોવા મળી હતી.
આ અંગે મ્યુનિસિપલ અધિકારીઓ મગનું નામ મરી પાડતા નથી તો પોલીસે કોઈ સત્તાવાર માહિતી આપી નથી. ડિમોલિશન પહેલાં ધાર્મિક વસ્તુઓ અને પુસ્તકો ખસેડાયા હતાં. ચંડોળા તળાવ પરથી દસ હજારથી વધુ કાચાં-પાકાં મકાનો દૂર કરી મેગા ડિમોલિશનની કામગીરી અંતિમ તબક્કામાં પહોંચી છે.
ગત બુધવાર સવારથી જ પોલીસની ટુકડીઓ સાથે મ્યુનિસિપલ અધિકારીઓ અને કર્મચારીઓ મશીનરી સાથે આવી પહોંચી તળાવની જમીનમાં કોઈ પણ જાતની મંજૂરી વગર મસમોટા બાંધી દેવાયેલા 3 મંદિર અને 3 મસ્જિદમાંથી ધાર્મિક વસ્તુઓ અને ગ્રંથો દૂર કરી તોડી પડાયાં હતાં. આ સમયે બંને ધર્મના લોકો ધસી આવ્યા હતાં અને નહીં તોડવા માટે રજૂઆતો કરવાની સાથે રોષ પણ ઠાલવ્યો હતો. જેમાં અધિકરીઓ સાથે ઉગ્રબોલાચાલી થતાં વાતાવરણ તંગ બની ગયું હતું. અત્યાર સુધીમાં ૨૦ ધાર્મિક સ્થળો દૂર કરાયા છે.
