નવા વાડજની યુવતીના ચાંદખેડામાં આપઘાતથી અરેરાટી: મૃતકના પિતાએ તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચી પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ

અમદાવાદના ચાંદખેડામાં દહેજ, દેવું અને દારૂના ત્રાસથી કંટાળી 30 વર્ષીય પરિણીતાએ ચોથા માળેથી કૂદી આપઘાત કર્યો. આપઘાત પહેલાં બહેનને કોલ પર આપવીતી વર્ણવી હતી.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 10 Oct 2026 12:41 PM (IST)Updated: Sat, 10 Oct 2026 12:41 PM (IST)
ahmedabad-chandkheda-woman-suicide-domestic-violence-police-case

Ahmedabad News: અમદાવાદમાં ઘરેલુ હિંસાના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે. મહિલાઓ સાથે ઘરેલુ હિંસા, દહેજની માંગણી, મારઝૂડ જેવી ઘટનાની ઘણી ફરિયાદો પોલીસ ચોપડે નોંધાતી હોય છે. પરંતુ ઘણી ઘટનાઓમાં પતિ અને સાસરિયાઓના ત્રાસથી મહિલાઓ આપઘાત કરીને જીવનનો અંત આણી દેતી હોય છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો ચાંદખેડા વિસ્તારમાંથી સામે આવ્યો છે. જેમા એક 30 વર્ષીય પરીણિતાએ પતિ અને સાસરિયાઓના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળી જઈને આપઘાત કરી લીધો હતો.

શું છે સમગ્ર મામલો?

મળતી માહિતી મુજબ, શહેરના નવા વાડજ વિસ્તારની 30 વર્ષીય યુવતીએ ચાંદખેડાના એક યુવક સુનિલ જાદવ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જોકે, શરુઆતમાં લગ્નજીવન સારુ ચાલતું હતું. પરંતુ જેમ જેમ સમય ગયો તેમ પતિ અને સાસરિયાઓએ પોતાનું અસલી સ્વરુપ બતાવવાનું શરુ કર્યું હતું. લગ્નના થોડા સમય બાદ પતિને દેવુ થઈ ગયું હોવાથી તેણે પિતાના ઘરેથી 2 લાખ લાવી આપવા જણાવ્યું હતું. પરીણિતાએ પૈસા લાવી આપ્યા. પછી પતિ અને સાસરિયાઓ દ્વારા પરીણિતાને અવારનવાર શારીરિક અને માનસિક રીતે પ્રતાડિત કરવામાં આવતી હતી.

પતિ અને સાસરિયાઓ પર આક્ષેપ

લગ્ન બાદ પરીણિતાનું જીવન કઠિન બની ગયું હતું. ત્યારબાદ પતિ પણ થોડા સમય પછી દારુના રવાડે ચડી જતાં તેની સાથે મારઝૂડ કરતો હતો. તેમજ જ્યારે પરીણિતા તેના પતિને દારુ પીવાથી અટકાવતી તો તે જાનથી મારી નાખવાની ધમકી આપતો. લગ્નજીવનથી સતત ત્રાસી ગયેલી પરીણિતાએ આખરે અંતિમ પગલું ભરી લેવાનો નિર્ણય લીધો હતો. 8 ઓક્ટોબરના રોજ પરીણિતાએ તેની બહેન સાથે અંતિમ વાતચીત કરી હતી.

પરીણિતાના આપઘાત અંગે ગુનો

બહેન સાથેની વાતચીતમાં પરીણિતાએ પોતાની સમગ્ર આપવીતી વર્ણવી હતી, ત્યારબાદ ફ્લેટના ચોથા માળેથી પડતું મૂકીને પોતાનો જીવનો અંત આણી દીધો હતો. જ્યારે સમગ્ર ઘટનાની જાણ પિતાને થઈ ત્યારે તેઓ તાત્કાલિક પોલીસ સ્ટેશને જઈને પુત્રીના આપઘાત મામલે પતિ, નણંદ સાસુ અને સસરા વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ દાખલ કરી હતી. હાલ સમગ્ર મામલે સ્થાનિક પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.