Ahmedabad News: અમદાવાદમાં આગામી દિવસોમાં વિવિધ માળખાકીય કામગીરીને પગલે ટ્રાફિક વ્યવસ્થામાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. ઔડા (AUDA) દ્વારા સમારકામ, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને અન્ય બ્રિજની કામગીરીના કારણે અમદાવાદ ટ્રાફિક પોલીસે જાહેરનામું પ્રસિદ્ધ કરીને ડાયવર્ઝન જાહેર કર્યા છે. સૌથી મોટો ફેરફાર એસપી રિંગ રોડ પરના બે મુખ્ય બ્રિજ પર કરવામાં આવ્યો છે, જે 40 દિવસ સુધી વાહનવ્યહાર માટે બંધ રહેશે.
એસપી રિંગ રોડ પર ત્રાગડ અને વટવા બ્રિજ બંધ:
ઔડા દ્વારા સરદાર પટેલ (એસપી) રિંગ રોડ પર આવેલા ત્રાગડ રેલવે અંડરપાસના બોક્સના રીપેરીંગની કામગીરી અને વટવા રેલવે ઓવરબ્રિજના રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ બંને સ્થળો પર કામગીરી આગામી 40 દિવસ સુધી ચાલશે અને ટ્રાફિકને તબક્કાવાર ડાયવર્ટ કરવામાં આવશે.
ત્રાગડ અંડરપાસ:
પ્રથમ 20 દિવસ માટે ઝુંડાલ બ્રિજથી વૈષ્ણોદેવી સર્કલ તરફ જતો રસ્તો બંધ રહેશે. ત્યારબાદ બીજા 20 દિવસ માટે વૈષ્ણોદેવી સર્કલથી ઝુંડાલ બ્રિજ તરફ જતો રસ્તો બંધ રહેશે.
વૈકલ્પિક માર્ગ: વાહનચાલકો વૈષ્ણોદેવી સર્કલથી અડાલજ થઈને ઝુંડાલ સર્કલ જઈ શકશે.
આ પણ વાંચો
વટવા રેલવે ઓવરબ્રિજ:
પ્રથમ 20 દિવસ માટે હાથીજણ સર્કલથી અસલાલી સર્કલ સુધીનો રસ્તો બંધ રહેશે. ત્યારબાદ બીજા 20 દિવસ માટે અસલાલી સર્કલથી હાથીજણ સર્કલનો રસ્તો બંધ રહેશે.
વૈકલ્પિક માર્ગ: વાહનચાલકો રિંગ રોડથી રોપડા ચાર રસ્તા થઈને સરસ્વતી ચાર રસ્તાનો ઉપયોગ કરી શકશે.
બુલેટ ટ્રેન અને કાલુપુર બ્રિજની કામગીરી:
એસપી રિંગ રોડ ઉપરાંત શહેરના આંતરિક વિસ્તારોમાં પણ કામગીરી શરૂ થઈ છે.
કાલુપુર રેલવે સ્ટેશન: કાલુપુર રેલવે સ્ટેશન સામે બ્રિજના પીલર પર ગર્ડર લગાવવાની કામગીરી છ મહિના સુધી ચાલશે. આના કારણે ડીસીપી ઝોન-૩ થી રીલીફ રોડના છેડા સુધીનો રસ્તો વાહનવ્યવહાર માટે બંધ રહેશે. જોકે, કાલુપુર રેલવે સ્ટેશનની સામેનો રસ્તો ઉપયોગમાં લઈ શકાશે.
રિવરફ્રન્ટ પૂર્વ: રિવરફ્રન્ટ પૂર્વના રસ્તા પર નારણઘાટથી બુલેટ ટ્રેનના પીલર સુધીનો ૧૦૦ મીટરનો રસ્તો પણ બ્રિજની કામગીરીને કારણે બંધ રહેશે.