અમદાવાદ: ગોતાના એકાઉન્ટન્ટ સાથે 'બોસ સ્કેમ', કંપની સંચાલકનો ફોટો વાપરી સાયબર ઠગોએ 3 કરોડ પડાવ્યા

આરોપીએ એકાઉન્ટન્ટને એગ્રોઝેલા પ્રાઈવેટ લિમિટેડ કંપનીના બેંક ખાતામાં 3 કરોડ ટ્રાન્સફર કરાવ્યા હતા.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 20 Aug 2026 08:24 AM (IST)Updated: Thu, 20 Aug 2026 08:24 AM (IST)
ahmedabad-boss-scam-changodar-pure-and-cure-technology-accountant-cyber-fraud-three-crore
ahmedabad boss scam changodar

Ahmedabad Boss Scam: અમદાવાદ શહેરમાં બોસ સ્કેમનો વધુ એક કેસ નોંધાયો છે. ચાંગોદર વિસ્તારમાં આવેલી એક કંપનીના એકાઉન્ટન્ટના વોટ્સએપ પર બોસનું નામ વટાવી સાયબર ગઠિયાઓએ માત્ર 52 મિનિટની અંદર રૂ. 3 કરોડની મોટી રકમ પડાવી લીધી છે. હજુ વધુ ચોંકાવનારી બાબત એ છે કે, જ્યારે અમદાવાદ CP આ જ સિન્ડિકેટના સભ્યોની ધરપકડ અંગે પત્રકાર પરિષદ યોજી રહ્યા હતા, બરાબર તે જ સમયે આ ઠગાઈ થઈ હતી.

વોટ્સએપ પર બોસ બનીને કરી ચેટ 

આ ઘટનાની વિગતો મુજબ, ગોતા વિસ્તારમાં રહેતા 44 વર્ષીય હાર્દિકભાઈ પટેલ ચાંગોદરમાં આવેલી ‘પ્યોર એન્ડ કયોર ટેકનોલોજી’ કંપનીમાં છેલ્લા 20 વર્ષથી એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. આ કંપનીનું સંચાલન ડિરેક્ટર પ્રાસીબહેનના પતિ હેમંતભાઈ કરે છે. ગત 18 ઓગસ્ટના રોજ સવારે હાર્દિકભાઈ કચેરીમાં હતા, ત્યારે સવારે 10:50 વાગ્યે હેમંતભાઈએ તેમને ફોન કરીને મિટિંગ માટે ડેટા મોકલવા કહ્યું, જે હાર્દિકભાઈએ 10:51 વાગ્યે વોટ્સએપ દ્વારા મોકલી આપ્યો હતો.

આ ઘટનાના થોડા જ સમય બાદ, હેમંતભાઈના ફોટોવાળા એક અજાણ્યા નંબર પરથી હાર્દિકભાઈને મેસેજ આવ્યો કે, "બેંક અવેલેબલ બેલેન્સ ચેક કરો". હાર્દિકભાઈએ સામે જવાબ આપ્યો કે બેંકમાં 13 કરોડ અને 6 કરોડ CC ઉપલબ્ધ છે. ત્યારબાદ ઠગે હેમંતભાઈ બનીને 'એગ્રોઝેલા પ્રાઈવેટ લિમિટેડ' કંપનીના કરન્ટ એકાઉન્ટની વિગતો મોકલી તાત્કાલિક રૂ. 3 કરોડ ટ્રાન્સફર કરવા માટે સૂચના આપી હતી.

એક જ મિનિટમાં 3 કરોડનો ચૂનો લાગ્યો

બોસનો આદેશ સમજીને હાર્દિકભાઈએ નાણાં ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી અને સવારે 11:46 વાગ્યે બેંકમાંથી પૈસા ટ્રાન્સફર થઈ ગયાનો મેસેજ આવ્યો હતો. જોકે, નાણાં ટ્રાન્સફર થયાની બરાબર એક જ મિનિટ બાદ, એટલે કે 11:47 વાગ્યે કંપનીના અન્ય ડિરેક્ટર નયનભાઈ અને હેમંતભાઈનો કોન્ફરન્સ કોલ આવ્યો હતો. 

આ વાતચીતમાં ખુલાસો થયો હતો કે તેમણે આવા કોઈ ટ્રાન્જેક્શન માટે સૂચના આપી જ નહોતી. ભયભીત બનેલા હાર્દિકભાઈએ જ્યારે તે શંકાસ્પદ નંબર પર મેસેજ મોકલવાનો પ્રયાસ કર્યો ત્યારે મેસેજ સેન્ડ થતા બંધ થઈ ગયા હતા. તપાસ કરતા જાણવા મળ્યું કે હેમંતભાઈના સાચા નંબર પરથી આવી કોઈ ચેટ થઈ જ નહોતી.

પાકિસ્તાન અને ચીન સાથે જોડાયેલા તાર 

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ ગુનો આચરનાર ગેંગ દેશભરમાં 200 થી વધુ બોસ સ્કેમ કરી ચૂકેલી આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટનો એક ભાગ છે. તાજેતરમાં પોલીસે આ ગેંગના બે સભ્યો ઈમરાન પિયાદા અને ઈન્જામુલ મોલ્લાને પશ્ચિમ બંગાળથી ઝડપી લીધા હતા, જેમણે છેલ્લા 5 વર્ષમાં 4500 સિમકાર્ડ ખરીદીને 21,900 OTP સાયબર ગુનેગારોને પૂરા પાડ્યા હતા.

આ સિન્ડિકેટના તાર અત્યંત જોખમી રીતે વિદેશો સાથે જોડાયેલા છે. જેમાં આ ટોળકી પાકિસ્તાનના ઈસ્લામાબાદથી કોલ સેન્ટર ચલાવે છે. જ્યારે છેતરપિંડી માટે વપરાતી APK અને ઝીપ (ZIP) ફાઈલો હોંગકોંગ અને ચીનથી સપ્લાય કરવામાં આવે છે. પોલીસે જણાવ્યું છે કે આરોપીઓએ અંદાજે 10,000 જેટલા ડિવાઈસમાં વાયરસ ફાઈલો મોકલી હતી, જેમાંથી એક શિકાર હાર્દિકભાઈ પણ બન્યા હોવાની આશંકા છે.