Ahmedabad News: અમદાવાદમાં MD ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઇ છે. એક દંપતી દ્વારા આ ફેક્ટરી ચલાવવામાં આવી રહી હતી. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો(NCB) દ્વારા સરખેજના જુહાપુરા વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો અને દંપતીની અટકાયત કરવામાં આવી છે. દંપતી છેલ્લા એક મહિનાથી ડ્રગ્સ બનાવતું હતું. પોલીસ દ્વારા આરોપીના કાફેમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને વધુ તપાસ શરૂ કરી છે.
રહેણાક સોસાયટીના ભોંયરામાં ચાલતું હતું ગુપ્ત નેટવર્ક
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદના સરખેજના જુહાપુરા વિસ્તારમાં આવેલા મોહમ્મદી પાર્ક નજીક એનસીબીની ટીમ દ્વારા આ દરોડો પાડવામાં આવ્યો હતો. મોહમદી પાર્ક વિસ્તાર નજીક લબ્બે પાર્ક (લબેક પાર્ક બે) સોસાયટીના 13 નંબરના મકાનમાં ભોંયરામાં આ એમડી ડ્રગ્સની ફેક્ટરી બનાવવામાં આવી હતી. ઘરની બહાર એમ.એમ. પઠાણ' નામનું બોર્ડ લગાવેલું હતું અને આરોપીએ બંધ મકાન ભાડે રાખીને તેના ભોંયરામાં એમડી ડ્રગ્સ બનાવવાની આખી મિની ફેક્ટરી શરૂ કરી હતી.
સ્થળ પરથી ડ્રગ્સ બનાવવાનો કાચો માલ કબજે કરાયો
દરોડા દરમિયાન સ્થળ પરથી તૈયાર એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો નથી પરંતુ ડ્રગ્સ બનાવવા માટે વપરાતું કેમિકલ ફોર્મેટમાં તમામ મટીરિયલ સહિતનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. એનસીબીની ટીમ અને સ્થાનિક પોલીસની ટીમ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીમાં દંપતીની અટકાયત કરવામાં આવી છે. છેલ્લા એક મહિનાથી દંપતી દ્વારા ડ્રગ્સ બનાવવામાં આવી રહ્યું હતું. તેઓ મધ્ય પ્રદેશથી ડ્રગ્સ બનાવવાનું કાચુ મટેરિયલ મગાવતા હતા. આ ઉપરાંત મુમતપુરા રોડ પર આરોપીનું એક કેફે પણ છે. પોલીસ દ્વારા મકાન અને કાફેમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. હાલ વધુ તપાસ શરૂ કરી છે.
ત્રણ ટીમો દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી
મધ્ય પ્રદેશના મનસોરમાંથી ડ્રગ્સ બનાવવા માટેનું કાચુ મટેરિયલ મગાવવામાં આવ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. હાલ NCBની ત્રણ અલગ-અલગ ટીમો દ્વારા દરોડાવાળા મકાન ઉપરાંત આરોપીની કોફી શોપ અને મધ્યપ્રદેશમાં તપાસ કરવામાં આવી રહી છે. આ સમગ્ર રેકેટમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે, ફેક્ટરી ઊભી કરવા કોણે રોકાણ કર્યું, અત્યાર સુધીમાં કેટલું ડ્રગ્સ બનાવીને ક્યાં સપ્લાય કરાયું છે તથા તેમાં કયા ડ્રગ્સ પેડલરો અને માફિયાઓ જોડાયેલા છે, તે તમામ દિશામાં એજન્સીઓ દ્વારા સઘન તપાસ ચલાવવામાં આવી રહી છે.
