Ahmedabad Bomb Threat: ગઈકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, કોર્ટ સંકુલ, દાણાપીઠ કોર્પોરેશન કચેરી અને જાણીતી સ્કૂલો સહિત 19 ઠેકાણે બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકીભર્યો ઈ-મેઈલ મળવાના કેસની તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયા છે.
સાયબર ક્રાઈમની પ્રાથમિક તપાસમાં, બોમ્બ બ્લાસ્ટ કરીને ઉડાવી દેવાની છેલ્લી બે ઘટનાઓની પ્રાથમિક તપાસમાં જે ઈ-મેઈલ એડ્રેસથી ધમકી મોકલવામાં આવી હતી, તે પાકિસ્તાન અને બાંગ્લાદેશમાંથી ઑપરેટ થતા હોવાનું ખુલ્યું છે. ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપ મારફતે હેક કરવામાં આવેલા ઈ-મેઈલ એકાઉન્ટ ક્રિપ્ટો કરન્સીમાં ચૂકવીને ખરીદવામાં આવતા હતા. જે બાદ તહેવારો ટાણે દહેશત ફેલાવવા માટે આ એડ્રેસ પરથી મેઈલ મોકલવામાં આવતા હતા.
અગાઉ આવા જ એક કેસની તપાસ દરમિયાન ગુજરાત પોલીસની ટીમે બાંગ્લાદેશથી એક આરોપીને ઝડપી પાડ્યો હતો. જેની તપાસમાં સામે આવ્યું હતું કે, આ શખ્સે હેક કરવામાં આવેલ જીમેઈલ એકાઉન્ટ બાંગ્લાદેશમાં એક વ્યક્તિને વેચ્યા હતા. જે બાદ બાંગ્લાદેશી હેન્ડલરે આ એકાઉન્ટ્સને પાકિસ્તાનના બીજા કોઈ શક્સને ક્રિપ્ટો કરન્સી વસૂલીને વેચી દીધા હતા.
ઓક્ટોબર મહિનાના પ્રથમ સપ્તાહમાં આવી જ એક ઘટના સામે આવી હતી. જેમાં 7 ઓક્ટોબરે બે અલગ-અલગ ઈમેઈલથી શહેરના 16 સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. જેમાં 10 સ્કૂલ, ગુજરાત હાઈકોર્ટ સહિત અમદાવાદની અન્ય કોર્ટ તેમજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સામેલ હતુ. આ મેઈલમાં ખાલિસ્તાનનો અને પંજાબી ગાયક દિલજીત દોસાંજનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેમાં 21 નવેમ્બરે દિલજીત દોસાંજના મોદી સ્ટેડિયમમાં આયોજિત શોમાં બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી હતી.
બીજી ઘટના 27 ઓક્ટોબરના સામે આવી હતી. જેમાં અન્ય ઈ-મેઈલ આઈડીથી અમદાવાદના 19 સ્થળોને બોમ્બથી ઉડાડવાની ધમકી આપવામાં આવી હતી. આ મેસેજમાં પણ ખાલિસ્તાન અને દિલજીત દોસાંજના કાર્યક્રમમાં લોકોને ના જવાની ચેતવણી આપવામાં આવી હતી. જી-મેઈલ તરફથી મળેલા ઈનપુટ અને તપાસના આધારે સામે આવ્યું કે, આ એકાઉન્ટ બાંગ્લાદેશના રંગપુર અને પાકિસ્તાનના લાહોરથી ઓપરેટ કરવામાં આવ્યું હતુ.
