Somnath Temple 3D Light and Sound Show: શ્રી સોમનાથ મહાદેવના દર્શને આવતા દેશવિદેશના યાત્રીઓ સમક્ષ શ્રીસોમનાથ તીર્થના યુગ યુગાંતરના ગૌરવને ઉજાગર કરતો 3D લાઈટ એન્ડ સાઉન્ડ શો ચોમાસાના વિરામ બાદ પુનઃ યાત્રીઓ માટે શરૂ કરવામાં આવ્યો છે.
દિવાળી વેકેશનમાં સોમનાથ આવનાર ભક્તો શ્રી સોમનાથ તીર્થના ઇતિહાસથી માહિતગાર થાય, કઈ રીતે ચંદ્રદેવના તપથી ભગવાન સોમનાથ આ ભૂમિ પર પધાર્યા, કઈ રીતે ભગવાન શ્રીકૃષ્ણ એ પોતાની અંતિમ લીલા દર્શાવી નિજધામ ગમન કર્યું.
કઈ રીતે આ તીર્થ પ્રભાસ કેહવાયું. શું છે ધાર્મિક કથા? આ તમામ બાબતોને આધુનિક 3D લેઝર ટેકનોલોજીના ઉપયોગથી આવનાર યાત્રિકો માહિતગાર થાય તે માટે લાઇટ એન્ડ સાઉન્ડ શો નું નિર્માણ કરવામાં આવ્યું છે. જે શો આવનાર યાત્રીઓમાં પ્રસિદ્ધ છે. આ શો ચોમાસા દરમિયાન પ્રતિવર્ષ બંધ રહેતો હોય છે. પણ દિપાવલી પુર્વે પુનઃ આ શો યાત્રીઓ માટે શરૂ કરવામાં આવતો હોય છે.
ચોમાસાની સીઝન બાદ શ્રી સોમનાથ મંદિરે લાઈટ એન્ડ સાઉન્ડ શો પ્રારંભ કરવામાં આવ્યો છે. શો નો સમય સાયં આરતી બાદ સાંજે 7-45 વાગ્યાનો રહેશે. શનિવાર તથા રવિવાર તહેવારોના દિવસોમાં યાત્રી પ્રવાહને ધ્યાને લઇ બે શો યોજવામાં આવશે. શોની ટિકિટ મંદિર પરિસરના બહાર ડિજિટલ કેશલેસ કાઉન્ટર પર સાંજે 6:00 વાગ્યાથી તેમજ મંદિર પરિસરમાં અલાયદા ટિકિટ કાઉન્ટર પરથી સાંજે 6:30 વાગ્યાથી મળશે.
