Ahmedabad News: નેત્રદાન જાગૃતિ પખવાડા અંતર્ગત સક્ષમ સંસ્થા દ્વારા કર્ણાવતી મહાનગરમાં ગતિશીલતા જાગૃતિ લાવવા અને દૃષ્ટિહીન તેમજ સામાન્ય વ્યક્તિઓ વચ્ચેના અંતરને સમજવા માટે એક "બ્લાઈન્ડ ફોલ રેલી"નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં થલતેજ મહિલા આઈ.ટી.આઈ.ની 25 વિદ્યાર્થીનીઓને આમંત્રિત કરવામાં આવી હતી.

આ રેલીમાં મહિલા આઈ.ટી.આઈ.ની વિદ્યાર્થીનીઓએ તેમની આંખો પર પાટા બાંધ્યા હતા. અંધ કન્યા પ્રકાશ ગૃહની પચીસ દૃષ્ટિહીન વિદ્યાર્થીનીઓએ તેમને સંસ્થાના કેમ્પસમાં દોરીને ચલાવ્યા હતા. આ અનુભવ દ્વારા મહિલા આઈ.ટી.આઈ.ની દીકરીઓએ અંધ હોવાથી પડતી મુશ્કેલીઓનો અહેસાસ કર્યો હતો. સંસ્થાના દૃષ્ટિહીન શિક્ષક દિવયાબેને તેમને નેત્રદાન શા માટે જરૂરી છે તેની સમજ આપી હતી.
આ કાર્યક્રમનું સંકલન સક્ષમ સંસ્થાના સચિવ કૃષ્ણકાંત પટેલ અને નિલેશ પંચાલે અંધ કન્યા પ્રકાશ ગૃહના આચાર્ય દીપાલીબેનના માર્ગદર્શન હેઠળ કર્યું હતું. સક્ષમ સંસ્થાના ઉપાધ્યક્ષ મફતભાઈ પટેલે દીકરીઓને ભેટ આપી હતી, જ્યારે સક્ષમ સંસ્થાના અધ્યક્ષ અલ્પેશભાઈએ સંસ્થાની પ્રવૃત્તિઓ વિશે માહિતી પૂરી પાડી હતી. આ રેલીમાં સક્ષમ, અંધ કન્યા પ્રકાશ ગૃહ અને મહિલા આઈ.ટી.આઈ.ના અન્ય સભ્યો પણ જોડાયા હતા.