અમદાવાદમાં આસો આઠમે ભક્તિનો મહાસાગર: નગરદેવી ભદ્રકાળી માતાજીના દર્શન માટે 1 કિલોમીટરથી પણ વધુ લાંબી કતારો લાગી

આસો નવરાત્રિની આઠમે અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાજીના દર્શનાર્થે 1 કિલોમીટરથી વધુ લાંબી કતારો લાગી. શક્તિપીઠ પાવાગઢ અને અંબાજી મંદિરે પણ માઈભક્તોનું ભારે ઘોડાપૂર ઉમટી પડ્યું.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 18 Oct 2026 02:35 PM (IST)Updated: Sun, 18 Oct 2026 02:35 PM (IST)
ahmedabad-bhadrakali-mataji-temple-aaso-aatham-navratri-devotees-rush

Navratri 2026: આસો નવરાત્રિના આઠમના પાવન પર્વ પર નિમિત્તે સમગ્ર ગુજરાત ભક્તિરસમાં ગરકાવ થઈ ગયું છે. નવરાત્રિમાં દુર્ગાષ્ટમીના દિવસે મંદિરોમાં દર્શન અને પૂજનનું વિશેષ ધાર્મિક મહત્વ હોવાથી પૌરાણિક મંદિરો અને શક્તિપીઠોમાં માઇભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. ત્યારે અમદાવાદમાં આવેલ શ્રી ભદ્રકાળી માતાજીના મંદિરે પણ ભક્તોની મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે.

ભદ્રકાળી માતાના દર્શન માટે ભક્તોની કતારો

અમદાવાદના નગરદેવી શ્રી ભદ્રકાળી માતાજીના મંદિરે આસો નવરાત્રિની આઠમ નિમિત્તે આજે વહેલી સવારથી જ દર્શનાર્થીઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. આસો આઠમ નિમિત્તે મા ભદ્રકાળીના દિવ્ય સ્વરુપના દર્શનાર્થે મંદિર પરિસરથી બહાર 1 કિમીથી પણ વધુની લાંબી લાઈનો જોવા મળી હતી. નગરદેવી શ્રી ભદ્રકાળી માતાજી સાથે જોડાયેલી ધાર્મિક માન્યતા પ્રમાણે, આઠમના દિવસે નગરદેવીના દર્શન અને આરતીનો લાભ લેવાથી પરિવારમાં સુખ અને શઆંતિનો અનુભવ થાય છે.

નગરદેવી ભદ્રકાળી મંદિરો પૌરાણિક ઇતિહાસ

અમદાવાદના ભદ્ર કિલ્લામાં આવેલું શ્રી ભદ્રકાળી મંદિર શહેરનું અત્યંત પ્રાચીન અને મુખ્ય આસ્થાનું કેન્દ્ર છે. ઈ.સ 1411માં અહમદશાહ બાદશાહે અમદાવાદની સ્થાપના કરી તે પહેલાથી શ્રી ભદ્રકાળી માતાજી અહીં નગરદેવી તરીકે બિરાજમાન છે. આજે આસો નવરાત્રિની આઠમ હોવાથી કોટ વિસ્તારમાં વિરાજમાન માતા ભદ્રકાળી દેવીના દર્શનાર્થે ભક્તો આવી રહ્યા છે.

અંબાજી અને પાવાગઢમાં ભક્તોની મોટી ભીડ

બીજી તરફ ગુજરાતના શક્તિપીઠો અંબાજી, પાવાગઢ ખાતે પણ શ્રદ્ધાળુઓનો મોટો જમાવડો જોવા મળ્યો હતો. પાવાગઢમાં આઠમની ખાસ ઉજવણી વચ્ચે રવિવારની રજા હોવાથી વહેલી સવારે 5 વાગ્યાથી જ ગુજરાતભરમાંથી માઈભક્તો પહોંચી ગયા હતા. મંગળા આરતી સાથે જ 1 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ માં મહાકાળીના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી, જ્યારે અંબાજી મંદિર ખાતે આજ રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માતાજીના દર્શન કર્યા હતા. તેમજ સવારની મંગળા આરતીમાં ભક્તો ઉમટ્યા હતા.