અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતા ચાંદીના સિંહાસન પર બિરાજશે, સોમવારે યોજાશે માતાજીનો પ્રાગટ્ય મહોત્સવ

અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતા પહેલીવાર 7 કિલો ચાંદીના નવા સિંહાસન પર દર્શન આપશે, જેનું મૂળ સ્ટ્રક્ચર અને ડિઝાઇન અમદાવાદમાં તૈયાર થઈ છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 28 Jun 2026 09:28 AM (IST)Updated: Sun, 28 Jun 2026 09:28 AM (IST)
ahmedabad-bhadrakali-mata-pragatya-mahotsav-silver-throne-annakut-darshan

Ahmedabad Bhadrakali Mata Pragatya Mahotsav: અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાજીના ભક્તો માટે એક અનોખો અને પાવન અવસર આવી રહ્યો છે. જેઠ સુદ પૂનમ એટલે કે સોમવારના રોજ નગરદેવી ભદ્રકાળી માતાજીનો ભવ્ય પ્રાગટ્ય મહોત્સવ ઊજવાશે. આ વિશેષ દિવસે માતાજી પહેલી વાર ચાંદીના નવા સિંહાસન પર બિરાજમાન થઈને ભક્તોને દર્શન આપશે.

7 કિલો ચાંદીમાંથી નિર્મિત ભવ્ય સિંહાસન

પૂજારી અને ટ્રસ્ટી શિરીષ અવસ્થીના જણાવ્યા અનુસાર, ત્રણ વર્ષ પહેલાં લેવાયેલા સંકલ્પ અંતર્ગત દાતાઓના સહયોગથી 7 કિલો ચાંદીનો ઉપયોગ કરીને આ ભવ્ય સિંહાસન તૈયાર કરવામાં આવ્યું છે. અગાઉ સિંહાસન જેવું સ્વરૂપ માત્ર તૈયાર કરવામાં આવતું, પરંતુ હવે પ્રાગટ્ય ઉત્સવના પાવન અન્નકૂટમાં માતાજી આ નૂતન સિંહાસન પર બિરાજશે.

આ સિંહાસનનું લાકડાનું મૂળ સ્ટ્રક્ચર અને પરંપરાગત ડિઝાઇન અમદાવાદમાં તૈયાર કરવામાં આવી હતી. જ્યારે રાજકોટના કારીગરોએ તેના પર મોર, પક્ષીઓ અને મંદિરના શિલ્પો જેવી ઉત્કૃષ્ટ ચાંદીની કોતરણી મઢી આપી છે.

અસલી 'રાજ રાજેશ્વરી' સ્વરૂપના દર્શન

ભદ્રકાળી માતાના પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે મંદિરમાં 64 ખંડી અન્નકૂટનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેના માટે 11 દિવસથી બ્રાહ્મણો અને 15થી વધુ રસોઈયાઓ વિવિધ વાનગીઓ અને મિષ્ઠાન તૈયાર કરી રહ્યા છે. આ દિવસે માતાજી ભક્તોને તેમના અસલી 'રાજ રાજેશ્વરી' સ્વરૂપે દર્શન આપશે.

naidunia_image

ભદ્રકાળી માતા મંદિરના ટ્રસ્ટી રાજા અવસ્થીએ માહિતી આપતા જણાવ્યું કે, પૂનમે બપોરે 12:00 થી 4:30 વાગ્યા સુધી મંદિર દર્શન માટે બંધ રહેશે અને આ સમય દરમિયાન અન્નકૂટ તેમજ ફૂલોનો શણગાર કરવામાં આવશે. સાંજે 4:30 વાગ્યે કપાટ ખુલતાની સાથે જ 108 દીવડાની મહાઆરતી કરવામાં આવશે. આ મહોત્સવમાં 200થી વધુ સેવકો ખડેપગે સેવા આપશે અને પરિસરમાં 5 હજારથી વધુ ભક્તો માટે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

વર્ષમાં માત્ર બે વાર અન્નકૂટની પરંપરા

ટ્રસ્ટી શશીકાંત તિવારીએ જણાવ્યું હતું કે, ભદ્રકાળી મંદિરમાં વર્ષમાં માત્ર બે વાર અન્નકૂટ ધરાવવાની પરંપરા છે. જેમાં એક જેઠ સુદ પૂનમ (પ્રાગટ્ય ઉત્સવ) અને બીજું કારતક સુદ પૂનમ (દેવદિવાળી). પહેલા માતાજી માત્ર દેવદિવાળી પર જ સિંહાસન પર બિરાજતા, પરંતુ હવેથી બંને અન્નકૂટના પાવન અવસરે માતાજી પરંપરાગત પૂજા વિધિ સાથે આ નૂતન ચાંદીના સિંહાસન પર બિરાજમાન થઈને નગરજનોને દર્શન આપશે.