સગર્ભા મહિલાઓ માટે અમદાવાદમાં ખાસ 'સાત્વિક ગરબા', AC હોલમાં યોજાશે 'Belly & Beats'; જાણો પાસની કિંમત અને શું સુવિધા હશે
Ahmedabad Belly and Beats 2.0: અમદાવાદમાં નવરાત્રિ નિમિત્તે 'ડીવાઈન મધર' દ્વારા સતત બીજા વર્ષે ગર્ભવતી મહિલાઓ અને નાના બાળકો ધરાવતા માતા-પિતા માટે ખાસ 'સાત્વિક ગરબા' નું આયોજન કરવામાં આવ્યું છે. 17 ઓક્ટોબરના રોજ યોજનાર 'બેલી એન્ડ બીટ્સ' નામના આ એક દિવસીય ઉત્સવમાં 250 મર્યાદિત કપલ્સ જ ભાગ લઈ શકશે. જ્યાં સુરક્ષા અને સ્વાસ્થ્ય માટે ગાયનેકોલોજિસ્ટ, એમ્બ્યુલન્સ અને હેલ્ધી ફૂડની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
ક્યારે અને ક્યાં યોજાશે 'બેલી એન્ડ બીટ્સ 2.0'
અમદાવાદના જોધપુર વિસ્તારમાં આવેલા કમ્યુનિટી AC હોલમાં આગામી 17 ઓક્ટોબર, શનિવારના રોજ સાંજે 6:30 વાગ્યાથી રાત્રે 11:30 વાગ્યા સુધી 'બેલી એન્ડ બીટ્સ 2.0' ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ભીડ કે ધક્કા-મુક્કીની સ્થિતિ ન સર્જાય તે માટે વિશિષ્ટ કાળજી લેવામાં આવી છે:
મર્યાદિત પ્રવેશ: માત્ર 250 કપલ્સને જ પ્રવેશ આપવામાં આવશે.
પરંપરાગત સંગીત: DJ ભારે બાસ કે વધુ પડતા મોટા અવાજને બદલે મંડળી દ્વારા પરંપરાગત સંગીત પીરસવામાં આવશે.
મહાઆરતી અને ડેકોરેશન: કાર્યક્રમના અંતે મહાઆરતીનું આયોજન થશે તથા સ્થળ પર પરંપરાગત અને સિમ્પલ ડેકોરેશન રાખવામાં આવશે.
તબીબી સુરક્ષા અને કટોકટીની વ્યવસ્થા
ગર્ભવતી મહિલાઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા કાર્યક્રમ સ્થળે ગાયનેકોલોજિસ્ટ (સ્ત્રી રોગ નિષ્ણાત) અને એમ્બ્યુલન્સની સુવિધા સતત ઉપલબ્ધ રહેશે. જેથી કોઈપણ કટોકટી કે ઈમરજન્સીની સ્થિતિમાં તાત્કાલિક તબીબી મદદ પૂરી પાડી શકાય.
પાસની કિંમત અને સાત્વિક-હેલ્ધી ફૂડ મેનુ
કપલ પાસ: રૂ. 2,500.
ફેમિલી પાસ: નાના બાળક સાથે આવતા પરિવાર માટે ફેમિલી પાસની કિંમત રૂ. 2,600 રાખવામાં આવી છે.
સાત્વિક અને હેલ્ધી ફૂડ મેનુ: પાસની કિંમતમાં સાત્વિક ભોજનનો સમાવેશ છે, જેમાં સૂપ, વેજિટેબલ ટીક્કી, મસાલા ચાટ, ડ્રમસ્ટિક શોરબા અને એવોકાડો ટોસ્ટ જેવી વાનગીઓ પિરસવામાં આવશે.
આહાર વિષયક કાળજી: ભોજનમાં લસણ કે ડુંગળીનો ઉપયોગ કરવામાં આવશે નહીં. આ ઉપરાંત ગર્ભવતી મહિલાઓ અને બાળકોનાસ્વાસ્થ્યને ધ્યાને રાખીને મસાલેદાર ભોજન કે આર્ટિફિશિયલ સોસનો ઉપયોગ સંપૂર્ણપણે ટાળવામાં આવ્યો છે.
ગર્ભવતી મહિલાઓ માટે આયોજક અનુશ્રીનો સંદેશ
'બેલી એન્ડ બીટ્સ' ગરબાના આયોજક અનુશ્રી શાહ છેલ્લા 10 વર્ષથી ગર્ભસંસ્કારના ક્ષેત્ર સાથે જોડાયેલા છે. તેમણે જણાવ્યું હતું કે, "નવરાત્રી એ નવસર્જનની ઉપાસનાનો પવિત્ર તહેવાર છે, અને જ્યારે ગર્ભવતી મહિલા પોતે નવસર્જન કરી રહી હોય ત્યારે તેને આ ઉત્સવથી વંચિત રાખવી જોઈએ નહીં." સામાન્ય ગરબા આયોજનોમાં વધુ પડતો અવાજ, ભારે ભીડ અને ગરમીના કારણે ગર્ભવતી મહિલાઓ અને નાના બાળકોને અગવડતા પડતી હોય છે. તેથી AC હોલમાં મર્યાદિત લોકો સાથે આ સુરક્ષિત આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
