Ahmedabad News: અમદાવાદ શહેરની એક શાળામાં વિદ્યાર્થિનીઓને માર માર્યાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. શહેરના બાપુનગર વિસ્તારમાં વિદ્યાર્થિનીઓને માર માર્યાનો આક્ષેપ કરવામાં આવતાં ચકચાર મચી ગઈ છે, હાલ સમગ્ર મામલે વિદ્યાર્થી સામે શાળા પ્રશાસને કડક પગલાં લઈને માફીપત્ર લખાવીને સ્કૂલ લિવીંગ સર્ટિફિકેટ આપી દેવાયું છે.
શું છે સમગ્ર ઘટના
મળતી માહિતી મુજબ, બાપુનગર વિસ્તારમાં સ્થિત જીવન સાધના સ્કૂલમાં આ ઘટના બની છે. ઘટનાની વિગતે વાત કરીએ તો, ધો.11માં અભ્યાસ કરતો 16 વર્ષીય વિદ્યાર્થી ક્લાસમાં ખરાબ ગાળો બોલતો હતો. તેથી ક્લાસમાં ગાળો ન બોલવા અંગે 3 વિદ્યાર્થિનીઓએ તેને ટોક્યો હતો. ગાળો બોલવા અંગે ટોકતાં વિદ્યાર્થીએ વાતનો ખાર મનમાં રાખ્યો હતો.
ત્રણેય વિદ્યાર્થિનીઓ પર હુમલો
શાળામાંથી વિદ્યાર્થીઓ જેવા છૂટ્યાં પછી વિદ્યાર્થીએ ત્રણેય વિદ્યાર્થિનીઓનો રસ્તો રોક્યો હતો. વિદ્યાર્થિનીઓના પરિવારના આક્ષેપ પ્રમાણે, શાળાની ગેટ બહાર નીકળતાં 16 વર્ષીય વિદ્યાર્થીએ ત્રણ વિદ્યાર્થિનીઓને માર માર્યો હતો. પગ અને પેટમાં લાતો મારી હતી. જેથી સ્થાનિકોએ વિદ્યાર્થીને પકડીને શાળામાં લઈ ગયા હતા. જે બાદ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.
વિદ્યાર્થી સામે કડક કાર્યવાહી
વિદ્યાર્થીના માતાપિતાને શાળામાં બોલાવ્યા બાદ તેનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. જે બાદ તેની પાસેથી માફીપત્ર પણ લખાવાયું હતું. સમગ્ર મામલે શાળા તંત્રે કાર્યવાહી કરતાં 16 વર્ષીય વિદ્યાર્થીને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ આપીને શાળા બહાર કાઢી મૂકાયો છે.
શું કહ્યું અમદાવાદ DEOએ?
સમગ્ર ઘટના અંગે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીના જણાવ્યા પ્રમાણે, આ ઘટના અંગે અમને જાણ થઈ. શાળાની વિદ્યાર્થિનીઓ સાથે કોઈ પણ વિદ્યાર્થી ગેરવર્તણૂક કરે તે ચલાવી લેવામાં નહીં આવે. અમે તાત્કાલિક શિક્ષણ નિરીક્ષકને સમગ્ર બાબતે તપાસની સૂચના આપી દીધી છે. શાળામાં શું ઘટના બની. તેનો વિગતે રિપોર્ટ તૈયાર કરીને સુપેરે સોંપવા જણાવાયું છે. તેમજ આ મામલે શાળા સંચાલનને પોલીસ કાર્યવાહી કરવાની સૂચના અપાઈ છે.
