Ahmedabad: ઔડાનું રૂ. 3101 કરોડનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બજેટ રજૂ; સરદાર પટેલ રિંગરોડનું અપગ્રેડેશન, 6 લેનનો કરાશે

સરદાર પટેલ રિંગ રોડને કુલ રૂ.2.189 કરોડનો ખર્ચ 4-લેનમાંથી 6-લેનમાં અપગ્રેડ કરાશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 07 Mar 2026 09:18 AM (IST)Updated: Sat, 07 Mar 2026 09:18 AM (IST)
ahmedabad-auda-budget-2026-27-rs-3101-crore-sp-ring-road-6-lane-projects
HIGHLIGHTS
  • ઔડાનું રૂ. 3101 કરોડનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બજેટ રજૂ
  • સરદાર પટેલ રિંગરોડનું અપગ્રેડેશન, 6 લેનનો કરાશે
  • ₹3311 કરોડની આવકનો અંદાજ રાખવામાં આવ્યો

AUDA Budget 2026-27: અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA) દ્વારા વર્ષ 2026-27 માટે પાયાની સુવિધાઓ વિકસાવવા પર ભાર મૂકતું નવું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટમાં રિંગ રોડના વિસ્તરણ, ઓલિમ્પિક વિલેજ અને સાણંદ જેવા ગ્રોથ સેન્ટર્સ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.

ઔડાનું રૂ. 3101 કરોડનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બજેટ

અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA) દ્વારા ગત વર્ષની સરખામણીમાં 28 ટકાના વધારા સાથે રૂ. 3101.73 કરોડના ખર્ચની જોગવાઈ કરી છે, જેની સામે રૂ. 3311.83 કરોડની આવકનો અંદાજ રાખવામાં આવ્યો છે. વર્ષ 2026-27 માટે પાયાની સુવિધાઓ વિકસાવવા પર ભાર મૂકતું નવું બજેટ રજૂ કરવામાં આવ્યું છે.

SP રિંગ રોડનું 6-લેનમાં અપગ્રેડેશન થશે

આ બજેટમાં રિંગ રોડના વિસ્તરણ, ઓલિમ્પિક વિલેજ અને સાણંદ જેવા ગ્રોથ સેન્ટર્સ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. શહેરના ટ્રાફિકને હળવો કરવા ઔડા દ્વારા SP રિંગ રોડના વિકાસ માટે મોટી ફાળવણી કરવામાં આવી છે:

  • 76 કિમી લાંબા સરદાર પટેલ રિંગ રોડને 4-લેનમાંથી 6-લેનમાં અપગ્રેડ કરવામાં આવશે, જેના માટે રૂ. 2189 કરોડનો ખર્ચ કરાશે.
  • રિંગ રોડ પર પર્યાવરણલક્ષી પહેલ અંતર્ગત રેઈન વોટર હાર્વેસ્ટિંગ, સોલર સિસ્ટમ, પ્લાસ્ટિક કચરાનો ઉપયોગ અને પ્રદૂષણ રોકવા માટે સ્પ્રિંકલર્સ લગાવવામાં આવશે.
  • રિંગ રોડના 10 મુખ્ય જંકશન પર ફ્લાયઓવર અથવા અંડરપાસ બનાવવામાં આવશે.
  • સાબરમતી નદી પર આવેલા ભાટ અને કમોડ બ્રિજની બંને બાજુ નવા 3-લેનના બ્રિજ બનાવવામાં આવશે.

ઓલિમ્પિક વિલેજ, સ્પોર્ટ્સ એરેના અને સેમિકન્ડક્ટર પ્લાન્ટ

અમદાવાદની આસપાસના નવા વિકસતા વિસ્તારો માટે બજેટમાં વિશેષ જોગવાઈ કરવામાં આવી છે.

  • સાણંદ: સેમિકન્ડક્ટર ફેક્ટરી આસપાસના માર્ગોના વિકાસ અને સુધારણા માટે અંદાજે રૂ. 150 કરોડ ફાળવાયા છે.
  • ગોધાવી: પ્રસ્તાવિત ઓલિમ્પિક વિલેજ આસપાસ રોડ, પાણી અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે.
  • કરાઈ: મલ્ટિપર્પઝ સ્પોર્ટ્સ એરેના માટે પાયાની સુવિધાઓ ઉભી કરવા રૂ. 20 કરોડ ફાળવાયા છે.

પાયાની સુવિધાઓ: પાણી, રસ્તા અને પર્યાવરણ

  • રસ્તાઓનું નિર્માણ: કલોલ, સાણંદ અને મહેમદાવાદ જેવા ગ્રોથ સેન્ટરોમાં નવા ટી.પી. રસ્તા બનાવવા માટે રૂ. 600 કરોડની ફાળવણી કરાઈ છે.
  • પાણી અને ડ્રેનેજ: 'જલ જીવન મિશન' અને અન્ય યોજનાઓ હેઠળ 55 ગામમાં પીવાનું પાણી પહોંચાડવા રૂ. 150 કરોડ અને ડ્રેનેજ વ્યવસ્થા માટે રૂ. 350 કરોડનો ખર્ચ કરાશે. કલોલમાં સ્ટોર્મ વોટર નેટવર્ક માટે રૂ. 100 કરોડ ફાળવવામાં આવ્યા છે.
  • તળાવ અને બગીચા: પર્યાવરણ સંરક્ષણ માટે ઉનાવા, ખોડિયાર, લપકામણ, બોરીસણા, તાજપુર અને લીલાપુર જેવા ગામોમાં તળાવ અને બગીચાના વિકાસ માટે અંદાજે રૂ. 100 કરોડની જોગવાઈ કરાઈ છે.
  • એફોર્ડેબલ હાઉસિંગ: ખોડિયાર અને સાણંદમાં નવા આવાસોના નિર્માણ તેમજ ચાલુ પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવા માટે રૂ. 45 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

પ્રોજેક્ટ્સ માટે નાણાં ક્યાંથી આવશે?

બજેટમાં ભલે મોટી જાહેરાત કરવામાં આવી હોય, પરંતુ ઔડાની આવકનો મુખ્ય સ્ત્રોત ગણાતા પ્લોટ વેચાણની સ્થિતિ અત્યંત નબળી છે. આ સંજોગોમાં બાકી રહેલા મેગા પ્રોજેક્ટ્સ માટે નાણાંની વ્યવસ્થા કેવી રીતે થશે તે એક મોટો પ્રશ્ન છે.

  • છેલ્લા ચાર વર્ષમાં ઔડાએ વેચાણ માટે મૂકેલા 19 માંથી માત્ર 7 પ્લોટ જ વેચાયા છે.
  • કુલ રૂ. 1518 કરોડની આવકના અંદાજ સામે અત્યાર સુધી માત્ર રૂ. 351 કરોડની જ આવક થઈ છે, એટલે કે 60 ટકાથી વધુ પ્લોટ વણવેચાયેલા પડ્યા છે.
  • આ ઉપરાંત, SG હાઈવે પર ઝાયડસ હોસ્પિટલ પાસે ઔડાની નવી ઓફિસ બનાવવાની જાહેરાત 4 વર્ષ પહેલાં થઈ હતી, જેનું કામ હજુ શરૂ થઈ શક્યું નથી.