અમદાવાદ ઔડા બોર્ડ બેઠક: ઘાટલોડિયા અને મેમનગરમાં 708 ફ્લેટનું રિડેવલપમેન્ટ થશે, 15 કોમર્શિયલ પ્લોટની થશે ઈ-હરાજી

અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની તાજેતરમાં યોજાયેલી બોર્ડ બેઠકમાં શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નાગરિક સુવિધાઓને વેગ આપવા માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 15 Aug 2026 07:59 AM (IST)Updated: Sat, 15 Aug 2026 07:59 AM (IST)
ahmedabad-auda-board-meeting-ghatlodia-memnagar-flat-redevelopment-e-auction-commercial-plots

AUDA Board Meeting: અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની તાજેતરમાં યોજાયેલી બોર્ડ બેઠકમાં શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નાગરિક સુવિધાઓને વેગ આપવા માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. ઔડા દ્વારા 14 ટીપી સ્કીમમાં પાયાની સુવિધાઓનો વિકાસ કરવા સાથે 4 નવી ટીપી સ્કીમ રચવા માટે ઇન્ટેન્શન ડિક્લેરેશન જાહેર કરવામાં આવ્યું છે.

મેમનગર અને ઘાટલોડિયામાં ફ્લેટનું રિડેવલપમેન્ટ

જર્જરીત બિલ્ડીંગોના પુનનિર્માણ માટે ઔડા બોર્ડે લીલી ઝંડી આપી દીધી છે. સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી ટેસ્ટમાં મકાનો નબળા જણાતાં નિર્ણયો લેવામાં આવ્યા છે. નિર્ણયનગર અને ઘાટલોડિયા (ટીપી-2) વિસ્તારના નંદનવન આવાસના 624 ફ્લેટ અને મેમનગર (ટીપી-1)ની મહાત્મા ગાંધી વસાહતના 84 ફ્વેટનું રિડેવલપમેન્ટ કરાશે. ડીપીઆર તૈયાર થયા બાદ નવા ફ્લેટની કુલ સંખ્યા નક્કી થશે.

આ પ્રાઈમ વિસ્તારોમાં 15 કોમર્શિયલ પ્લોટની ઈ-હરાજી

ઔડા દ્વારા શહેરી વિકાસ અને વેપાર-રોજગારને પ્રોત્સાહન આપવા માટે નીચેના વિસ્તારોમાં આવેલા 15 પ્લોટ ઈ-હરાજીમાં મૂકવામાં આવષે.

  • ચાંદખેડા: ટીપી 22 અને ટીપી 44
  • બોપલ: ટીપી 3
  • થલતેજ: ટીપી 38 અને ટીપી 39
  • ચાંદલોડિયા-ગોતા: ટીપી 45

ગોધાવી, દહેગામ અને સાણંદની કનેક્ટવિટી વધશે

શહેરની આસપાસના વિસ્તારોમાં રોડ કનેક્ટિવિટી અને નાગરિક સુવિધાઓ મજબૂત કરવા પર વિશેષ ધ્યાન આપ્યું છે.

  • 4 નવી ટીપી સ્કીમ: ગોધાવી, દહેગામ, કાણેટી, સાણંદ અને નિધરાડના 500 હેક્ટર વિસ્તારમાં નવી 4 ટીપી સ્કીમ બનશે, જેથી વાહનવ્યવહાર સરળ બનશે.
  • પાયાની સુવિધાઓનો વિકાસ: ભુવાલડી, કણભા, કઠવાડા, સિંગરવા અને બારેજડી જેવા વિસ્તારમાં નવા રોડ અને ડ્રેનેજ લાઈન સહિતની પ્રાથમિક સુવિધાઓનુ કામ ટૂંક સમયમાં શરુ થશે.

કન્સ્ટ્રક્શન સાઇટ પર નિયમ ભંગ બદલ કડક દંડ

ઔડા વિસ્તારમાં ચાલી રહેલી તમામ કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર નિયમોનું પાલન થાય છે કે નહીં તે માટે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરાશે. નિયમભંગ કરનાર બાંધકામ સાઇટો સામે કડક દંડ વસૂલવાની જોગવાઈ કરવામાં આવી છે.