Ahmedabad News: અમદાવાદ શહેરના અસારવા ગામ ખાતે આવેલા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનની અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાંથી સફાઈ દરમિયાન ખોપડી અને હાડકાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોના આરોગ્ય સામે ગંભીર સવાલો ઉભા થયા છે. કારણ કે આ જ ટાંકી દ્વારા આશરે 45 હજાર લોકોને પીવાનું પાણી પૂરુ પાડવામાં આવે છે.
પાણી બંધ થતાં સમગ્ર મામલો સામે આવ્યો
આ પણ વાંચો
30.28 લાખ લિટર પાણીની ક્ષણતા ધરાવતી પાણીની આ ટાંકી જાન્યુઆરી 2025 પછી સાફ કરવામાં આવા ન હતી. બુધવારે જ્યારે સફાઈ કામદારો ટાંકી ખાલી કરીને નીચે ઉતર્યા તો અંદરથી માનવ કંકાલના અવશેષો મળી આવ્યા હતા. કર્મચારીઓએ આ અંગે તુરંત પોતાના સુપરવાઈઝરને જાણ કરી હતી. જેને પગલે શાહીબાગ અને એફએસએલનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જોકે આ મામલે વિસ્તારના લોકોને કોઈ જાણ નહોતી. પણ અસારવામાં ગુરુવારે પાણી ન આવતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો.
કેટલા દિવસથી આવતું ગંદુ પાણી?
સ્થાનિક અગ્રણીઓ પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે, રહીશ વિસ્તારોમાં છેલ્લા 10 દિવસથી દુર્ગંધવાળું અને પ્રદૂષિત પાણી આવી રહ્યું હતું. તેમ છતાં તંત્ર દ્વારા ફરિયાદોને લઈને કોઈ ધ્યાન ન અપાયું. નિષ્ણાંતોના મતે પાણીમાં મૃતદેહ સડવાથી મુક્ત થતાં એરી ટોકિસન્સ ગંભીર ફૂડ પોઈઝનિંગ નોતરી શકે છે. આ વિસ્તારમાં ચોમાસા દરમિયાન દર મહિને પાણીજન્ય રોગચાળાના અંદાજે 70થી 80 કેસો નોંધાય છે. જેના લીધે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો છે.
સિક્યોરિટીમાં ગંભીર બેદરકારી સામે આવી
અસારવા ખાતે વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનની સુરક્ષાને લઈને ગંભીર બેદરકારીઓ સામે આવી છે. તેમજ ટાંકીનો એક દરવાજો ખુલ્લો હોવાનું સામે આવ્યું. બીજી તરફ દરવાજો જ ગાયબ હતો. ટાંકીની બારીઓ પણ તૂટેલી અવસ્થામાં હતી. જેને લઈને તંત્ર દ્વારા કડક પગલાં લેવાશે. શાહીબાગ પીઆઈ જે. એસ. સિંઘવના જણાવ્યા મુજબ, મળી આવેલા હાડકાં FSLમાં મોકલવામાં આવ્યા છે અને વિસ્તારના ગુમ થયેલા લોકોની યાદી સાથે મેળ બેસાડવામાં આવી રહ્યો છે.
