Ahmedabad News: હવેથી અમદાવાદ શહેરમાં રસ્તા પર પડેલા ખાડાઓ અને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન વિશે જાણ કરવા માટે કોઈ ફોન કે મેસેજ કરવાની જરૂર નહીં પડે. હકીકતમાં સ્માર્ટ સિટી અમદાવાદ ડેવલોપમેન્ટ લિમિટેડ (SCDL) દ્વારા શહેરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત પ્રોજેક્ટ શરૂ કરવામાં આવી રહ્યો છે.
SCDLના આ પ્રોજેક્ટ અંતર્ગત શહેરની 1 હજાર જેટલી AMTS અને BRTS જેવી પબ્લિક ટ્રાન્સપોર્ટની બસો શહેરમાં ફરતી વખતે રસ્તાની દરેક હલચલ પર નજર રાખશે અને પડી રહેલી સમસ્યાઓની ઓળખ કરીને તેને ડેટાસેન્ટર પર મોકલશે, જેથી તેનું સમયસર નિરાકરણ થઈ શકે.
આ પણ વાંચો
1 હજાર જેટલી પબ્લિક ટ્રાન્સપોર્ટની બસ હાઈટેક AI કેમેરાથી સજ્જ કરાશે
આ પ્રોજેક્ટ માટે અમદાવાદના અલગ-અલગ રૂટ પર દોડતી અંદાજે 1 હજાર જેટલી AMTS અને BRTS બસોમાં હાઈટેક AI કેમેરા ઈન્સ્ટોલ કરવામાં આવશે. જેના થકી રોડ પર સતત નજર રાખવામાં આવશે અને સમસ્યાઓને રિયલ ટાઈમ ઓળખવામાં આવશે. જો આવી બસોને ફરતા વખતે રોડ પર ખાડો દેખાશે, તો તે તરત જ AMCના સર્વરને માહિતી મોકલી આપશે.
આ સિવાય શહેરના ક્યા વિસ્તારમાં વધારે ટ્રાફિકના નિયમોનો ભંગ થાય છે, તેની માહિતી પણ મળી રહેશે. જેથી પોલીસ વધારે અસરકારક આયોજન કરી શકે. આ સિસ્ટમની મદદથી ટ્રાફિક નિયમોના ભંગ કરવાના કેસ ઘટનાની સાથે-સાથે ઈ-ચલણની પ્રક્રિયા વધારે પારદર્શક બનશે.
20 જેટલી સમસ્યાઓને આવરી લેવામાં આવી
આ પ્રોજેક્ટ અંતર્ગત AI સિસ્ટમ રોડ પરના ખાડા, પાણી ભરાવા, ખુલ્લા મેન હોલ, હેલ્મેટ વિના ડ્રાઈવિંગ, રોંગ સાઈડ ડ્રાઈવિંગ, ટ્રાફિક સિગ્નલનું ઉલ્લંઘન, ગંદકી ફેલાવવી, સ્ટ્રીટ લાઈટ બંધ, રસ્તા પર કચરા જેવી 20 જેટલી સમસ્યાઓને આવરી લેવામાં આવી છે. આ પ્રોજેક્ટ આગામી 6 મહિનામાં અમલમાં મૂકાઈ જશે તેમજ 5 વર્ષ સુધી તેનું મેઈન્ટેનેન્સ કરવામાં આવશે.
