New AMTS Bus Routes: અમદાવાદ શહેરના સરદાર પટેલ રિંગ રોડ નજીક ઝડપથી વિકસી રહેલા શેલા સહિતના વિસ્તારોમાં રહેતા સ્થાનિકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. જાહેર પરિવહન સેવાની વારંવાર કરાયેલી માંગણીઓ બાદ આખરે અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા બે નવા બસ રુટ શરુ કરવામાં આવ્યા છે. હવેથી થલતેજ મેટ્રો સ્ટેશનથી શેલા ગામ અને વાડજથી પલસાણા સુધી AMTSની લાલ બસ દોડશે. જેથી સ્થાનિકોને મોટી રાહત મળશે.
ઔડાના વડીલોને ફ્રી મુસાફરી
અત્યાર સુધી અમદાવાદ મનપા વિસ્તારની હદમાં રહેતા સિનિયર સિટીઝન્સને જ એએમટીએસ બસમાં મફત મુસાફરીનો લાભ પ્રાપ્ત થતો હતો. પરંતુ હવે મનપાએ નિયમોમાં સુધારો કરતા, ઔડાની હદમાં વસવાટ કરતાં 65 વર્ષ કે તેથી વધુ વયના વડીલોને પણ મફત મુસાફરી પાસ આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેનાથી હજારો વડીલોને રાહત રહેશે.
વર્ષોથી રિંગ રોડ આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને જાહેર પરિવહન સેવાના અછતને કારણે મોંઘા ભાડા ખર્ચીને રિક્ષા કે ટેક્સીમાં મુસાફરી કરવી પડતી હતી. આ નવા રૂટ શરૂ થવાથી શેલા, વાડજ, પલસાણા અને કલોલ તરફ જતા દૈનિક મુસાફરો, વિદ્યાર્થીઓ અને નોકરિયાતોને મોટી આર્થિક રાહત મળશે.
નવી બસ સેવાનો રુટ
સ્થાનિક રહીશોને સિટી બસ સુવિધા સરળતાથી મળી રહે તે માટે મ્યુનિસિપલ તંત્ર દ્વારા નીચે મુજબના રૂટ શરૂ કરાયા છે:
- રૂટ નં. 45/1: થલતેજ મેટ્રો સ્ટેશનથી ઉપડીને ઈસ્કોન અને YMCA ક્લબ થઈને શેલા ગામ સુધી જશે.
- રૂટ નં. 71/2: વાડજ ટર્મિનસથી નીકળીને પલસાણા ગામ સુધી સેવા આપશે.
- રૂટ નં. 503 (વધારાની બસ): વિદ્યાર્થીઓ અને નોકરિયાતોની સુવિધા માટે અડાલજથી કલોલ ઈન્સ્ટિટ્યુટ કોલેજ સુધી 503 નંબરની વધારાની બસ દોડાવવાનો નિર્ણય લેવાયો છે.
(આ બંને નવા રૂટ પર દર 10 થી 12 મિનિટે મુસાફરો માટે બસ ઉપલબ્ધ રહેશે)
