Ahmedabad News: અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા બોડકદેવ વોર્ડમાં માનસી સર્કલથી હિમાલયા મોલ સુધીના અંદાજિત 3 કિમીના રસ્તાને પ્રિસન્ટ રોડ તરીકે ડેવલપ કરવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે.
આ પ્રોજેક્ટ પાછળ અંદાજે 43 કરોડ જેટલો ખર્ચ કરવામાં આવશે. સ્થાનિકો અને નિષ્ણાંતોમાં એવી ભીતિ સેવાઈ રહી છે કે આ રોડ બનવાથી હાલના હયાત રોડની પહોળાઈ ઘટશે. ફૂટપાથના લીધે ભવિષ્યમાં ગેરકાયદેસ દબાણો વધી જશે અને વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા વકરશે.
કોને સોંપવામાં આવશે કોન્ટ્રાક્ટ
અમદાવાદ મનપાની રોડ એન્ડ બિલ્ડીંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવેલી દરખાસ્ત પ્રમાણે, આ પ્રિસન્ટ રોડ માનસી સર્કલથી શરુ થઈને શહીદ ચોક, વસ્ત્રાપુર ચોક અને સંજીવની હોસ્પિટલ થઈને હિમાલયા મોલ સુધી બનાવવમાં આવશે, ખાસ વાત એ છે કે, આ કામગીરી માટે અંદાજિત કિમત કરતાં 18.69 ટકા વધારે ઉંચા ભાવે દેવર્સ કન્સ્ટ્રક્શનને કોન્ટ્રાક્ટ સોંપવાની દરખાસ્ત લાવવામાં આવી છે.
લો ગાર્ડને બે બસો પસાર નથી થઈ શકી
મનપા દ્વારા અગાઉ લો ગાર્ડન આસપાસના વિસ્તારમાં 7 પ્રિસન્ટ રોડ બનાવવાનું આયોજન કરાયું હતું. જેમાં સીજી રોડને જોડતા સરદાર પટેલ ભવન તરફના રસ્તા પર પ્રિસન્ટ રોડની ડિઝાઇનના કારણે અડધાથી વધારે રોડ માત્ર ફૂટપાથ અને પાર્કિંગમાં જતો રહ્યો હતો. ફૂટપાથ અને પાર્કિંગને જરૂર કરતાં વધુ જગ્યા ફાળવવામાં આવતા પરિસ્થિતિ એ થઈ હતી કે રસ્તા પરથી બે બસ પણ સામસામે સરળતાથી પસાર થઈ શકતી નહોતી. જેથી કામગીરી અટકાવાઈ હતી.
