Ahmedabad News: અમદાવાદ શહેરમાં નવરાત્રી-દિવાળી જેવા તહેવારોમાં ખરી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે શહેરના માર્ગો પર ચીજવસ્તુઓ વેચતાં ફેરિયાઓ લારી અને પાથરણાં કરી દેતાં હોય છે. જેના લીધે ઘણી વાર ટ્રાફિકની ગંભીર સ્થિતિ સર્જાતી હોય છે. જેથી રસ્તાઓ પર દબાણરુપ એવા લારી અને પાથરણાં અને વાહનો સામે અમદાવાદ મનપા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉપરાંત સામાન છોડાવવા માટે ચાર્જ વસૂલાતો હતો. તેમાં ચારથી પાંચ ગણો વધારો કરવામાં આવ્યો છે.
વહીવટી ચાર્જમાં કરાયો વધારો
આ પણ વાંચો
મ્યુનિસિપલ કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ કમિટીએ તેના 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં 4થી 5 ગણો વધારો કરી દિધો છે. તેથી દુકાનદારો કે ફેરિયાઓએ જપ્ત કરેલા સામાનને છોડાવવા માટે ફેરિયાએ બેથી પાંચ હજાર સુધીનો ચાર્જ ચૂકવવો પડશે, મનપાની દબાણ હટાવ ટીમ શહેરના જાહેર માર્ગો પર લારી, પેડલ રિક્ષા, પાથરણાં ગોઠવીને સામાન વેચતા લોકો પાસેથી જપ્ત સામાન છોડાવવા માટે ચાર્જ વસૂલે છે. તેને લઈને અમદાવાદ મનપાની એસ્ટેટ મેનેજમેન્ટ કમિટી અને ટાઉન પ્લાનિંગની બેઠક યોજાઈ હતી.
બેઠકમાં નક્કી કરાયો દર
આ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો, જેમાં RMC પ્લાન્ટની પોલિસીને મંજૂરી આપવામાં આવી હતી અને વહીવટી ચાર્જમાં વધારો કરીને નવા દર મંજૂર કરવામાં આવ્યા છે. નવા વહીવટી ચાર્જ પ્રમાણે, ઊંટગાડી, હાથવાળી લારી, બંધલારી, શેરડીનો સંચો સહિતનો સંચો જો જપ્ત કરવામાં આવે છે તો તેના માટે રુ.3 હજારનો વહીવટી ચાર્જ ચૂકવવાનો રહેશે. તેની સાથે સાથે જો ગોડાઉનમાં લાંબા સમય સુધી સામાન પડ્યો રહેશે તો તેના અલગથી રુ. 1500 વસૂલવામાં આવશે.
RMC પ્લાન્ટ અંગે નવો નિયમ
મનપાની બેઠકમાં લાંબા સમયથી અટકાવી રાખવામાં આવેલી રેડી મિક્સ કોન્ક્રીટ પ્લાન્ટની પોલિસી અંગે મહત્વની મંજૂરી આપવામાં આવી હતી મનપાની બેઠકમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે, RMC પ્લાન્ટ ચાલુ કરતાં પહેલા ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ પાસેથી NOC, સ્ટ્રક્ચર સર્ટિફિકેટ વગેરે જેવી મંજૂરીઓ લેવી ફરજિયાત છે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં અંદાજે 50માંથી વીસ પ્લાન્ટ સ્થાનિક વિસ્તારોમાં ધમધમે છે. તેને એક મહિનામાં બંધ કરીને બીજી જગ્યાએ ખસેડવાનો આદેશ આપ્યો છે.
