Ahmedabad News: અમદાવાદ એરપોર્ટ પર ડ્રગ્સ અને હેરોઈનની દાણચોરીના ઘણી ઘટનાઓ અવારનવાર બને છે. વિદેશથી કેટલા લોકો પોતાના બેગ્સ કે લગેજમાં છુપાવીને ડ્રગ્સ લાવતા હોય છે. તેને કસ્ટમ્સ વિભાગ દ્વારા ઝડપી લઈને મોટી કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ પર વધુ એક દાણચોરીની ઘટના સામે આવી છે. બેંગકોકથી અમદાવાદ આવેલા એક પેસેન્જર પાસેથી 973,23 ગ્રામ ગાંજાનો જથ્થો કસ્ટમ્સ વિભાગના એર ઈન્ટેલિજન્સ યુનિટે ઝડપી લીધો છે.
પેસેન્જર પાસેથી ગાંજો મળ્યો
મળતી મહિતી મુજબ, અમદાવાદ એરપોર્ટ પર સુરતનો એક મુસાફર બેંગકોકથી ફ્લાઈટ નંબર TG 343 મારફતે આવ્યો હતો. કસ્ટમ્સ વિભાગના અધિકારીને શંકા જતાં તેના લગેજની તપાસ કરી હતી. અધિકારીઓએ પેસેન્જરની તપાસ કરતાં કેબિન બેગેજમાં એક પેપર કેરી બેગમાં બે પ્લાસ્ટિક પેકેટ મળી આવ્યા હતા. આ પેકેટ્સમાં બીજા 30 પેકેટ્સ રાખેલા હતા. જેમાં લીલા રંગનો પદાર્થ હતો. કસ્ટમ્સ વિભાગને પદાર્થ શંકાસ્પદ જણાતાં તેની NDPS ફીલ્ડ ટેસ્ટ કિટથી તપાસ કરી હતી.
કસ્ટમ્સ વિભાગે કરી તપાસ
કસ્ટમ્સ વિભાગે કરેલા ટેસ્ટિંગમાં લીલા રંગનો પદાર્થ 'મારિજુઆના' હોવાનું સામે આવ્યું હતું, આ નશીલા પદાર્થનો કુલ વજન 973.23 ગ્રામ હતો, જેની બજાર કિંમત 1 કરોડથી વધુ આંકવામાં આવી હતી. સમગ્ર મામલે કસ્ટમ્સ વિભાગે મુસાફરને ઝડપી લઈને તેની પાસેથી ગાંજો કબજે કર્યો હતો. તેમજ આ ગાંજો કોને મોકલવાનો હતો. તે દિશામાં કસ્ટમ વિભાગે વધુ તપાસ હાથ ધરી છે.
