Ahmedabbad: અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં વધુ પડતી ઝડપે વાહન હંકારવાના કારણે અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, ત્યારે આવો જ વધુ એક અકસ્માતનો બનાવ વટવા વિસ્તારમાં સામે આવ્યો છે. જેમાં બેકાબુ કાર ધડાકાભેર ઝાડ સાથે ભટકાતા એક યુવકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.
પિયર ગયેલી પત્નીને તેડવા જતાં પતિને કાળનો ભેટો
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ગાંધીનગરના વાવોલમાં રહેતો આકાશ ગોસ્વામી (24) ચાંગોદર સ્થિત એક ખાનગી કંપનીમાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. જ્યારે તેની પત્ની બારેજડી સ્થિત પોતાના પિયરમાં ગઈ હતી.
આથી ગત 12 ફેબ્રુઆરીના રોજ આકાશ વાવોલથી પિયરમાં રોકાયેલી પત્નીને તેડવા માટે પોતાની એસેન્ટ કાર લઈને નીકળ્યો હતો. આ દરમિયાન આકાશની કાર વટવા GIDC રોડ પરથી પુરપાટ પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક આકાશે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો.
જેના પગલે બેકાબુ બનેલી કાર ધડાકાભેર ઝાડ સાથે ભટકાઈ ગઈ હતી. આ અકસ્માતમાં આકાશને ગંભીર ઈજા થવાના કારણે તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુ. હાલ તો આ સમગ્ર મામલે જે-ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક આકાશના આજથી 3 વર્ષ અગાઉ જ લગ્ન થયા હતા.
ઓવરસ્પીડથી સૌથી વધુ મોત મામલે ગુજરાત સમગ્ર દેશમાં પાંચમા ક્રમે
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો (NCRB)ના ડેટા પ્રમાણે, ઑવરસ્પીડથી વધુ મોત મામલે ગુજરાત સમગ્ર દેશમાં પાંચમા ક્રમે છે. ગુજરાતમાં વાહનની વધુ પડતી ગતિના કારણે દરરોજ સરેરાશ 18 વ્યક્તિ મોતને ભેટી રહી છે. જેમાં ઑવરસ્પીડથી સૌથી વધુ મૃત્યુના કિસ્સા અમદાવાદ અને બીજા ક્રમે સુરતમાં નોંધાઈ રહ્યા છે.
