Ahmedabad Accident News: અમદાવાદના ગોતા વિસ્તારમાં સ્થિત સિલ્વર ઓક કોલેજ પાસે એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. કોલેજ જઈ રહેલી એક યુવતી પર ક્રેન ચઢી જતાં તેનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું. ત્યારાબાદ ક્રેનચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો છે. આ ઘટનાના CCTV પણ સામે આવ્યા છે.
ગોતામાં ક્રેનચાલકે 19 વર્ષીય યુવતીને કચડી
આ બનાવ અંગે મળતી વિગત અનુસાર, રસ્તા પર ચાલીને જઈ રહેલી યુવતી પાછળથી આવતી એક ક્રેનના આગળના ટાયર નીચે આવી ગઈ હતી. અકસ્માતમાં જીવ ગુમાવનાર યુવતીની ઓળખ 19 વર્ષીય પ્રેરણા નિનામા તરીકે થઈ છે. પ્રેરણા સિલ્વર ઓક કોલેજમાં B.Sc. ના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી હતી. આજે સર્જાયેલા અકસ્માતમાં ગંભીર ઈજાઓ થવાના કારણે યુવતીનું સ્થળ પર જ મોત થયું હતું.
CCTV ફૂટેજ સામે આવ્યા, પોલીસ તપાસ શરૂ
ધોળાદિવસે બનેલા આ કરુણ બનાવને પગલે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. સમગ્ર મામલે ટ્રાફિક પોલીસે તપાસ શરૂ કરી છે. આ અકસ્માત ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. આ ફૂટેજના આધારે પોલીસ ફરાર આરોપીની ઓળખ કરી તપાસ હાથ ધરી છે.
