Ahmedabad Accident News: અમદાવાદના SG હાઈવે નજીક આવેલા ગોતા રોડ પર એક ચોંકાવનારો અકસ્માત સામે આવ્યો છે. ગત 22 ઓગસ્ટની મોડી રાત્રે ગોતા રોડ પરના સર્વિસ રોડ પર પૂરઝડપે ધસી આવેલી એક અજાણી કારે એક્ટિવા સવાર ત્રણ મિત્રોને જોરદાર ટક્કર મારી હવામાં ફંગોળી દીધા હતા. અકસ્માત સર્જ્યા બાદ કારચાલક નાસી છૂટ્યો હતો.
વોડાફોન ટાવર પાસે અકસ્માત, ત્રણ ઈજાગ્રસ્ત
પ્રાપ્ત માહિતી અનુસાર, ગોતા વિસ્તારમાં રહેતા શૈલેષ યાદવ કપડાંની દુકાન ચલાવે છે, તેઓ 22 ઓગસ્ટના રોજ રાત્રે તેમના બે મિત્રો શિવમ અને વિપિન સાથે એક્ટિવા પર છારોડીથી પરત ફરી રહ્યા હતા. રાત્રે આશરે 12 વાગ્યાની આસપાસ તેઓ વોડાફોન ટાવર ગોતા રોડ પર સર્વિસ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી એક ફોર વ્હીલર કારના ચાલકે તેમના એક્ટિવાને સામેથી જોરદાર ટક્કર મારી હતી.
આ ટક્કર એટલી પ્રચંડ હતી કે ત્રણેય મિત્રો રોડ પર ફંગોળાઈ ગયા હતા અને તેમને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા શૈલેષ અને વિપિનને હાથ-પગમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ થવાના કારણે તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.
ફરાર કારચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
આ ગંભીર અકસ્માતમાં સ્થાનિક પોલીસની શિથિલતા પણ સામે આવી છે. ગત 22 ઓગસ્ટની મોડી રાત્રે આટલો મોટો અકસ્માત સર્જાયો હોવા છતાં, સ્થાનિક SG 1 પોલીસ સ્ટેશનને બીજા દિવસ સુધી અકસ્માતની કોઈ જાણ જ નહોતી. આ ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.
બાદમાં અકસ્માતની જાણ થતાં પોલીસ હરકતમાં આવી હતી અને ઈજાગ્રસ્ત એક્ટિવા ચાલક સુધી પહોંચી હતી. અકસ્માત સર્જાયાના 24 કલાક બાદ પોલીસે આ મામલે ફરિયાદ નોંધી છે. અકસ્માત સર્જીને નાસી ગયેલા ફરાર કારચાલકને ઝડપી પાડવા માટે પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ તેજ કરી છે.
