Gujarat High Court: ગુજરાતની આશ્રમશાળાઓમાં શૈક્ષણિક ગુણવત્તા સુધારવા અને આદિવાસી વિદ્યાર્થીઓમાં વધતો ડ્રોપઆઉટ દર અટકાવવા માટે ગુજરાત હાઈકોર્ટે એક મહત્વનો નિર્દેશ આપ્યો છે. રાજ્ય સરકારે તમામ આશ્રમશાળાઓને શિક્ષણ વિભાગ હેઠળ લાવીને તેને નિયમિત કરવા અંગે સંમતિ દર્શાવી છે.
કેસની સુનાવણી 3 સપ્ટેમ્બરે કરાશે
એડિશનલ એડવોકેટ જનરલ મનીષા લવકુમાર શાહે હાઈકોર્ટને આશ્વાસન આપ્યું છે કે, આ શૈક્ષણિક ફેરફાર દરમિયાન કોઈપણ શિક્ષકની નોકરી જશે નહી, ઉપરાંત, આશ્રમશાળાઓમાં શિક્ષકોની ભરતી, શાળાઓના મકાનો અને જરુરી માળખાકીય સુવિધાઓમાં વધારો કરવામાં આવશે, આ નીતિગત નિર્ણયને આખરી ઓપ આપવા સરકારે સમય માંગતા કેસની આગામી સુનાવણી 3 સપ્ટેમ્બરના રોજ નિયત કરવામાં આવી છે.
ડ્રોપઆઉટ દર ઘટાડવા અંગે કરાશે ગ્રાઉન્ડ સર્વે
પ્રાથમિક શિક્ષણ બાદ તેમજ ધોરણ 10થી 12માં આદિવાસી બાળકો અભ્યાસ કેમ છોડી દે છે. તે અંગે હાઈકોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના સભ્ય સચિવને આદેશ આપ્યો છે કે, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવો અને પેરા લીગલ વોલન્ટિયર્સ મારફતે ગ્રાઉન્ડ લેવલ સર્વે કરવામાં આવે. તેમજ ટીમ ઘરોઘર જઈને ભણવાનું છોડી ચૂકેલા બાળકોની ઓળખ કરશે અને તેમને ફરી શિક્ષણ સાથે જોડવા પ્રયાસ કરશે.
ધો.1થી 8ના છાત્રોને મળશે RTE નો લાભ
આ નવા નિર્ણય બાદ હવે આશ્રમશાળાઓમાં અભ્યાસ કરતા ધોરણ 1થી 8ના તમામ આદિવાસી વિદ્યાર્થીઓને રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ મળવાપાત્ર તમામ લાભો મળશે, છેવાડાના અને અંતરિયાળ વિસ્તારોના બાળકો પણ ગુણવત્તાસભર શિક્ષણથી વંચિત ન રહે તે રાજ્ય સરકારની પ્રાથમિકતા હોવાનું કોર્ટ સમક્ષ રજૂ કરાયું હતું
આશ્રમશાળાઓનું વર્તમાન શૈક્ષણિક માળખું
ગુજરાતમાં હાલમાં કાર્યરત કુલ 728 આશ્રમશાળાઓનું વિભાજન નીચે મુજબ છે:
- આદિજાતિ વિકાસ વિભાગ: 457 આશ્રમશાળાઓ
- સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ: 167 આશ્રમશાળાઓ
- અનુસૂચિત જનજાતિ વિભાગ: 85 આશ્રમશાળાઓ
