ગુજરાત પ્રવાસે અરવિંદ કેજરીવાલ, બુથ કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપશે

AAP રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે, શનિવારે સાંજે અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થયા.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 18 Jan 2026 10:19 AM (IST)Updated: Sun, 18 Jan 2026 10:20 AM (IST)
aap-national-president-arvind-kejriwal-gujarat-visit-attend-booth-workers-conference
HIGHLIGHTS
  • ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે અરવિંદ કેજરીવાલ 
  • ગુજરાત AAP બુથ કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપશે
  • પક્ષમાં જોડાયેલ કાર્યકરોનો શપથવિધિ કાર્યક્રમ યોજાશે

Arvind Kejriwal Gujarat Visit: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા આયોજીત 7 ઝોનના બુથ કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપશે. આ તમામ કાર્યકર્તા સંમેલનમાં અરવિંદ કેજરીવાલ સંબોધન પણ કરશે.

અમદાવાદ પહોંચ્યા અરવિંદ કેજરીવાલ, ભાજપ પર કર્યા આકરા પ્રહાર

ગુજરાત પ્રવાસ પર આવી રહેલા અરવિંદ કેજરીવાલ 17 જાન્યુઆરી, શનિવારની સાંજે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. અહીં આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે અરવિંદ કેજરીવાલે મીડિયાને જણાવ્યું કે, આજે લોકો ખૂબ મોટી આશા સાથે આમ આદમી પાર્ટી તરફ જોઈ રહ્યા છે. છેલ્લા 6-7 મહિનાથી સમગ્ર ગુજરાતમાં, ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી, દરેક જગ્યાએ આમ આદમી પાર્ટીની રેલીઓ અને સભા યોજાઈ, તેમાં જનતાની ભારે ભીડ ઉમટી રહી છે.

"લોકો આશા સાથે આમ આદમી પાર્ટી તરફ જોઈ રહ્યા છે": અરવિંદ કેજરીવાલ

અરવિંદ કેજરીવાલે વધુમાં જણાવ્યું કે, અમારી પાસે તો પૈસા પણ નથી, અમે તો ‘ફક્કડ પાર્ટી’ છીએ. છતાં લોકો પોતાના ખર્ચે, પોતાના પૈસાથી આમ આદમી પાર્ટીની સભામાં આવી રહ્યા છે. અત્યાર સુધી લોકોમાં નિરાશા હતી કે “ભાજપ નહીં તો કોણ?” કોંગ્રેસ પાસેથી પણ કોઈ આશા નહોતી, પરંતુ હવે લોકો આશાભરી નજરે આમ આદમી પાર્ટી તરફ જોઈ રહ્યા છે.

"હું હાલ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ પર છું, આ દરમિયાન તમામ કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી અમે રણનીતિ બનાવીશું. તેમજ બુથ, તાલુકા અને જિલ્લા લેવલ પર જોડાયેલા કાર્યકરોનો શપથવિધિ કાર્યક્રમ યોજાશે." -- અરવિંદ કેજરીવાલ

આજે અમદાવાદમાં કાર્યકર્તા સંમેલન

નોંધનીય છે કે, ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે 7 ઝોન હેઠળ બુથ કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આજે 18 જાન્યુઆરીએ મધ્ય ઝોન અંતર્ગત અમદાવાદના નિકોલ ખાતે કાર્યકર્તા સંમેલન યોજાશે, જેમાં અમદાવાદ, ખેડા, ગાંધીનગર અને સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારને આવરી લેવામાં આવશે.

19 જાન્યુઆરીના રોજ પૂર્વ ઝોન અંતર્ગત વડોદરા ખાતે કાર્યકર્તા સંમેલન યોજાશે. જેમાં આણંદ, વડોદરા, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લાને આવરી લેવામાં આવશે. આ બંને સંમેલનમાં અરવિંદ કેજરીવાલ ઉપસ્થિત રહેશે. ઉપરાંત ઉપસ્થિત નેતાઓ અને કાર્યકરોને સંબોધન પણ કરશે.