AAP Gujarat: ગુજરાત આમ આદમી પાર્ટી (AAP)માં આંતરિક જૂથવાદ ફરી એકવાર સપાટી પર આવ્યો છે. ખેડૂત નેતા રાજુ કરપડાએ પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દેતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. કરપડાએ સીધો આક્ષેપ કર્યો છે કે જ્યારે તેઓ જેલમાં હતા ત્યારે પક્ષના મોવડી મંડળ કે ગોપાલ ઈટાલિયાએ તેમની કોઈ સંભાળ લીધી ન હતી. આ આક્ષેપો સામે ગોપાલ ઈટાલિયાએ પણ પોતાની આગવી શૈલીમાં જવાબ આપ્યો છે.
રાજુ કરપડાની નારાજગી
બોટાદના કડદાકાંડમાં જેલવાસ ભોગવી બહાર આવેલા રાજુ કરપડાએ આક્ષેપ કર્યો કે- વિસાવદર વિધાનસભા બેઠક જીતાડવા માટે મેં રાત-દિવસ એક કર્યા હતા, પરંતુ મુશ્કેલીના સમયે પક્ષે મને એકલો છોડી દીધો.
આ પણ વાંચો
જેલમુક્ત થયા બાદ રાજુ કરપડાએ મીડિયા સમક્ષ પોતાની નારાજગી ઠાલવતા જણાવ્યું હતું કે- ગોપાલ ઈટાલિયા અને મનોજ સોરઠીયા ગુજરાતમાં આમ આદમી પાર્ટીને ખતમ કરી નાખશે. જ્યારે હું અને મારા સાથી ખેડૂતો જેલમાં હતા, ત્યારે પક્ષ તરફથી કોઈ જ કાનૂની મદદ કે સારા વકીલની વ્યવસ્થા કરવામાં આવી નહોતી. પક્ષના જ કેટલાક નેતાઓ એવું ઈચ્છતા હતા કે હું જેલની બહાર ન આવું. મને ફસાવવા માટે પક્ષના જ આંતરિક જૂથોએ પ્રયાસો કર્યા છે. જે પક્ષ પોતાના લડાયક કાર્યકરોની પડખે નથી રહી શકતો, ત્યાં રહેવાનો કોઈ અર્થ નથી.
ગોપાલ ઈટાલિયાનો જવાબ
વિસાવદરના ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, પક્ષ હંમેશા કાર્યકરોની સાથે જ હોય છે પરંતુ કાયદાકીય પ્રક્રિયામાં પક્ષની મર્યાદાઓ હોય છે.
શબ્દો કરપડાના, ભાષા ભાજપની- ગોપાલ ઈટાલિયા
રાજુ કરપડાના આક્ષેપો પર પ્રતિક્રિયા આપતા ગોપાલ ઈટાલિયાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે- રાજુભાઈએ પક્ષ માટે જે મહેનત કરી તે બદલ હું તેમનો અને તેમના પરિવારનો આભાર માનું છું. તેઓ પક્ષ સાથે નથી તેનું દુઃખ ચોક્કસ છે, પણ તેમના આક્ષેપો પાયાવિહોણા છે. ઈટાલિયાએ ધડાકો કર્યો કે- રાજુભાઈના ચહેરા પર આજે ડર દેખાય છે. તેમની સામે સુરેન્દ્રનગર કોર્ટમાં જૂના કેસોનું ફાઈનલ હિયરિંગ હતું. ભાજપે તેમને જેલનો ડર બતાવીને આ પ્રેસ કોન્ફરન્સ કરવાની ફરજ પાડી છે. આ તેમની મજબૂરી છે.
હું રાજુભાઈને મર્દ માણસ માનતો હતો- ગોપાલ ઈટાલિયા
ઈટાલિયાએ આક્ષેપ કર્યો કે રાજુ કરપડાએ ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે મોડી રાત્રે મુલાકાત કરી હતી અને આ રાજીનામું એક મોટા સોદાનો ભાગ છે. ઈટાલિયાએ દાવો કર્યો કે રાષ્ટ્રીય સ્તરના વકીલો તેમને મળવા જેલમાં ગયા હતા, પરંતુ સરકારી વકીલોની ગેરહાજરીને કારણે જામીનમાં વિલંબ થયો હતો.
ગોપાલ ઈટાલિયાએ આક્ષેપ કર્યો કે- રાજુભાઈ એક મર્દ માણસ હતા, પણ જેલની બીકે તેમને ભાજપના હાથો બનાવી દીધા છે. તેઓ ખેડૂતોના નિઃસાસા લેવાનું કામ કરી રહ્યા છે. વધુમાં ઈટાલિયાએ કહ્યું કે - પક્ષ કોઈ વ્યક્તિથી નથી ચાલતો, વિચારધારાથી ચાલે છે. જેમને સંઘર્ષના રસ્તે ચાલવામાં ડર લાગે છે તેઓ જ રસ્તો બદલે છે
કળદા કાંડ અને ભવિષ્યની રણનીતિ
ઓક્ટોબર 2025માં બોટાદના હડદડ ગામે ખેડૂત મહાપંચાયત દરમિયાન થયેલા પથ્થરમારા બાદ રાજુ કરપડાની ધરપકડ થઈ હતી. ઈટાલિયાએ જણાવ્યું કે જેલમાં જવાના ડરે રાજુભાઈએ ખેડૂતોનો વિશ્વાસ તોડ્યો છે. બીજી તરફ, રાજુ કરપડા હવે આગામી દિવસોમાં ભાજપમાં જોડાય તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.
શું હતો સમગ્ર વિવાદ?
તાજેતરમાં જ રાજુ કરપડા અને પ્રવીણ રામ જેલમુક્ત થયા હતા. જેલમાંથી બહાર આવ્યા બાદ રાજુ કરપડાના તેવર બદલાયેલા જોવા મળ્યા હતા. તેમણે જાહેરમાં કહ્યું કે, જે પક્ષ પોતાના વફાદાર કાર્યકરની પડખે નથી ઊભો રહી શકતો ત્યાં રહેવાનો કોઈ અર્થ નથી. બીજી તરફ, ગોપાલ ઈટાલિયાએ પત્રકાર પરિષદમાં ખેડૂત મુદ્દાઓ અને પોલીસની કાર્યપદ્ધતિ પર સવાલ ઉઠાવીને આડકતરી રીતે એવો સંકેત આપ્યો કે રાજુ કરપડા પર દબાણ હોઈ શકે છે.
