Ahmedabad News: આમ આદમી પાર્ટી દ્વારા લોકસભા ચૂંટણી 2024ને લઇને ગુજરાતમાંથી બે ઉમેદવારોની અધિકૃત રીતે જાહેરાત કરી છે. જેમાં ભરૂચ બેઠક પરથી આપના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જ્યારે ભાવનગર બેઠક પરથી બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા ચૂંટણી લડશે.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી અને રાજ્યસભા સાંસદ ડૉ. સંદિપ પાઠકે દિલ્હી ખાતે એક પત્રકાર પરિષદમાં મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, જ્યારે ઈન્ડિયા એલાયન્સની રચના થઈ ત્યારે ઉદ્દેશ્ય એ હતો કે દેશના તમામ ઘટક રાજકીય પક્ષોએ પોતાના રાજકીય હિતોની ચિંતા કર્યા વિના દેશના હિતને ધ્યાનમાં રાખીને ચૂંટણી જીતવી જોઇએ. આ દેશને સારી સરકાર આપવાનો વિચાર હતો. અમે પણ આ જ હેતુથી આ ગઠબંધનમાં આવ્યા છીએ.
ઈન્ડિયા એલાયન્સનો ઉદ્દેશ્ય દેશને નવો વિકલ્પ આપવાનો છે. તેથી સમયસર ઉમેદવારની ઘોષણા કરવી મહત્વપૂર્ણ બની જાય છે. પ્રચારના આયોજન અને આ ચૂંટણીને એકસાથે કેવી રીતે આગળ લઈ જવી તે અંગે વાત કરતા રહેવું જરૂરી છે. બેઠક વહેંચણીને લઈને કોંગ્રેસ પક્ષ સાથે બે મોટી સત્તાવાર બેઠકો યોજાઈ હતી. એક 8મી જાન્યુઆરીએ અને બીજી 12મી જાન્યુઆરીએ થઈ હતી. બંને બેઠકમાં તમામ બાબતો પર ચર્ચા થઈ હતી પરંતુ કોઈ નિષ્કર્ષ પર પહોંચ્યા નહીં.
આ બે ઔપચારિક બેઠકો સિવાય છેલ્લા એક મહિનામાં કોઈ બેઠક થઈ નથી. અમે એક મહિનાથી બેઠકની રાહ જોઈ રહ્યા છીએ કે આગામી બેઠકમાં કોઈ નિર્ણય લેવામાં આવશે અને મામલો આગળ વધશે. અમને કહેવામાં આવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીની યાત્રા ચાલી રહી છે અને તેથી શરૂઆતમાં વિલંબ થયો. દરમિયાન, અમને કોંગ્રેસ પાર્ટીના ઘણા અગ્રણી નેતાઓને મળવાનો મોકો મળ્યો અને તેઓને પણ હવે પછીની બેઠક ક્યારે યોજાશે તેની કોઈ જાણકારી નથી.
આવી સ્થિતિમાં મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે આ રીતે ચૂંટણી જીતવી મુશ્કેલ બનશે. થોડા દિવસો પહેલા અમે આસામમાં ત્રણ ઉમેદવારોની જાહેરાત કરી હતી. મને આશા છે કે ઈન્ડિયા ગઠબંધન તેનો સ્વીકાર કરશે. આ ત્રણેય ઉમેદવારોની સંપૂર્ણ તૈયારી છે. ખૂબ જ સારો પ્રતિભાવ છે. આજે હું દક્ષિણ ગોવામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારની પણ જાહેરાત કરું છું. ભરૂચના 'આપ' ધારાસભ્યને ઉમેદવાર તરીકે જાહેર કરીએ છીએ. ગોવા વિધાનસભાની ચૂંટણીમાં દક્ષિણ ગોવામાં અમારી પાસે બે સીટો આવી હતી. બંને ધારાસભ્યો ખૂબ સારું કામ કરી રહ્યા છે. બંને ખૂબ જ લોકપ્રિય છે.
પ્રથમ ભરૂચ લોકસભા બેઠક પરથી ચૈતર વસાવા અને બીજા ભાવનગરના ઉમેશ મકવાણા ઉમેદવાર છે. મને આશા છે કે ઈન્ડિયા ગઠબંધન આનો સ્વીકાર કરશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પાંચ બેઠકો જીતી હતી અને લગભગ 13% વોટ શેર મેળવ્યો હતો.
કોંગ્રેસ પાર્ટીએ અહીં 17 બેઠકો જીતી હતી અને 27 ટકા વોટ શેર મેળવ્યા હતા. જો તમે મેરિટના આધારે જુઓ તો આમ આદમી પાર્ટીને એક તૃતીયાંશ સીટ અને કોંગ્રેસને બે તૃતીયાંશ સીટ મળવી જોઈએ. આ હિસાબે અમારી પાસે આઠ બેઠકો છે. આજે અમે બે બેઠકોની જાહેરાત કરી છે. બાકીની 6 બેઠકો પર વિચારણા કરવામાં આવશે અને થોડા દિવસો પછી તમારી સમક્ષ મૂકવામાં આવશે. કોંગ્રેસ 18 બેઠકો પર ચૂંટણી લડશે.
અમે ભરૂચ બેઠક માટે કોંગ્રેસને પૂછ્યું ત્યારે અમને કહેવામાં આવ્યું કે તે ભાવનાત્મક બેઠક છે. અહેમદભાઈ અહીં લડતા હતા અને હવે અહેમદભાઈની દીકરી અહીંથી લડશે. અમે તેનો ડેટા કાઢ્યો. 1977 થી 1991 સુધી અહીં ચૂંટણી લડ્યા હતા. છેલ્લી વખત કોંગ્રેસ પાર્ટીએ 1984માં ત્યાં જીત મેળવી હતી. 40 વર્ષ થયા કોંગ્રેસ પાર્ટી અહીં ચૂંટણી જીતી શકી નથી. તેને બાજુ પર રાખીને, 2019માં ભાજપને 55% વોટ શેર મળ્યા અને કોંગ્રેસ પાર્ટીને 26% વોટ શેર મળ્યા. 40 વર્ષથી કોંગ્રેસની ભાવનાત્મક બેઠક નથી, અહેમદભાઈની બેઠક નથી, કોંગ્રેસ પાર્ટીની ચોક્કસ બેઠક નથી.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
