Gujarat Congress Tractor March: આજે, 15 જૂનના રોજ કોંગ્રેસ દ્વારા ખેડૂતોના સમર્થનમાં અમદાવાદના શાંતિપુરા ચોકડીથી ગાંધીનગર સુધી આયોજિત 'કિસાન અધિકાર યાત્રા' ભારે ચર્ચા અને વિવાદમાં રહી છે. 1111 ટ્રેક્ટરો સાથે કાઢવામાં આવેલી આ રેલીમાં 20થી વધુ ખેડૂત સંગઠનો જોડાયા હતા. જોકે, આ યાત્રા તેના નિર્ધારિત લક્ષ્યો સુધી પહોંચે તે પહેલા જ સભાસ્થળે ફિયાસ્કો જોવા મળ્યો હતો.
રેલીનો હેતુ અને કોંગ્રેસના દાવા
કોંગ્રેસ પક્ષનો મુખ્ય આક્ષેપ છે કે, વર્તમાન સરકાર કાયદાઓને બાજુ પર મૂકીને ખેડૂતોની જમીનો હડપ કરી રહી છે. આ અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે કોંગ્રેસે પાંચ મુખ્ય માગણીઓ સરકાર સમક્ષ રજૂ કરવાનો નિર્ણય કર્યો હતો. રેલીનું સંકલન લાલજી દેસાઈ, પાલ આંબલિયા, જયેશ પટેલ, મહેશ રાજકોટીયા અને જીજ્ઞેશ મેવાણી જેવા દિગ્ગજ નેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યું હતું.
#WATCH | Gujarat | Kisan Adhikar Tractor rally under joint leadership of Kisan Congress and Kisan Sangharsh Samiti begins in Ahmedabad pic.twitter.com/8lBz85F0vi
— ANI (@ANI) June 15, 2026
રેલીનું સંચાલન અને નેતાઓની હાજરી
શાંતિપુરા ચોકડીથી શરૂ થયેલી આ રેલીમાં પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જીજ્ઞેશ મેવાણી તેમજ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને ડો. તુષાર ચૌધરી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. અમિત ચાવડાએ પોતે ટ્રેક્ટરનું સ્ટિયરિંગ સંભાળ્યું હતું, જેમાં તેમની સાથે પ્રગતિ આહિર, ગેનીબેન અને કરસન ભાદરકા પણ જોડાયા હતા. જોકે, જીજ્ઞેશ મેવાણી વિરમગામથી રેલીમાં જોડાયા બાદ વચ્ચેથી જ નીકળી ગયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું.
સભાનો 'ફિયાસ્કો' અને ખેડૂતોમાં બે ભાગલા
ઓગણજ ખાતે આવેલા શતાબ્દી મહોત્સવ મેદાનમાં આયોજિત સભામાં સ્થિતિ વણસી હતી. કોંગ્રેસની આ સભા નિષ્ફળ રહી હોવાનું સામે આવ્યું છે, કારણ કે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સભાને સંબોધન કર્યા વિના જ ત્યાંથી નીકળી ગયા હતા. આ ઉપરાંત, આંદોલનકારી ખેડૂતોમાં પણ બે ફાંટા પડ્યા છે; એક વર્ગ કોંગ્રેસના સમર્થનમાં સભા સ્થળે પહોંચ્યો હતો, જ્યારે બીજો વર્ગ બહાર રહીને વિરોધ નોંધાવી રહ્યો હતો.
#WATCH | Ahmedabad | Gujarat Congress President Amit Chavda says, "There is British rule in Gujarat today, where farmers are being looted. BJP, following the polices of the British, are causing atrocities against the farmers. Using Police and Administration, the farmers are being… pic.twitter.com/8MfKiz01mM
— ANI (@ANI) June 15, 2026
રેલી દરમિયાન સંઘર્ષ અને પોલીસ કાર્યવાહીની સ્થિતિ
આ ટ્રેક્ટર રેલીને ગાંધીનગર સુધી જવાની વહીવટી તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી ન હતી. આ કારણોસર, રેલીને અમદાવાદની શાંતિપુરા ચોકડીથી આગળ વધતા અટકાવવા માટે પોલીસે વ્યુહાત્મક રીતે બંદોબસ્ત ગોઠવ્યો હતો. સુરક્ષાના કારણોસર પોલીસે ઓગણજ ટોલ ટેક્સથી વૈષ્ણોદેવી સર્કલ તરફનો રિંગ રોડ બંધ કરાવી દીધો હતો, જેના કારણે વાહન વ્યવહાર પર સીધી અસર પડી હતી.
રેલી દરમિયાન કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ જોવા મળી હતી. ખાસ કરીને ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકરો જ્યારે સભાસ્થળ તરફ આગળ વધી રહ્યા હતા, ત્યારે તેમને રોકવા માટે પોલીસ દ્વારા કરવામાં આવેલા બેરિકેડિંગને કારણે તણાવ વધ્યો હતો.સ્થળ પર ખેડૂતોના બે જૂથો વચ્ચે થયેલી બોલાચાલી અને વિરોધ પ્રદર્શનને કારણે વાતાવરણ તંગ બન્યું હતું.
ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત
કોંગ્રેસની આ રેલીને ગાંધીનગર સુધી જવાની મંજૂરી આપવામાં આવી ન હતી. રેલીને કારણે ઓગણજ ટોલ ટેક્સથી વૈષ્ણોદેવી સર્કલ તરફનો રિંગ રોડ પોલીસે સુરક્ષાના કારણોસર બંધ કર્યો હતો, જે હવે ફરીથી શરૂ કરી દેવામાં આવ્યો છે. વાહન વ્યવહાર હાલમાં પૂર્વવત થઈ ગયો છે.
ખેડૂતોની આ 5 મુખ્ય માંગણીઓ છે
ખેડૂત સત્યાગ્રહ ટ્રેક્ટર યાત્રા દ્વારા ખેડૂતો સરકાર સમક્ષ મુખ્ય 5 માંગણી રજૂ કરશે. આ માગણીઓમાં દેવા માફી, મફત વીજળી, અને જમીન અધિગ્રહણના મુદ્દાઓ મુખ્ય છે. જો સરકાર આ માંગણી નહીં સ્વીકારે તો ગાંધીનગર ખાતે ઉગ્ર ધરણા પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
