Ahmedabad News: ધોળકા તાલુકાના સરગવાળા ગામે જીએસપીએલ (GSPL) ગેસ પાઈપલાઈન નાખવાની કામગીરી દરમિયાન પોલીસ અને કંપનીના કર્મચારીઓ પર થયેલા હુમલાના બનાવમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને બ્રિજરાજ સોલંકી સહિત 7 આરોપીઓની ધરપકડ કરી છે. તમામ આરોપીઓને બાવળા કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે 26 નવેમ્બર 2026 સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.
સરગવાળા ગામે શું બન્યો હતો બનાવ?
ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ (GSPL) દ્વારા સરગવાળા ગામની સીમમાં ગેસ પાઈપલાઈન નાખવાની કામગીરી ચાલી રહી હતી. આ કામગીરી સામે સ્થાનિક ખેડૂતો દ્વારા વળતર સહિતના વિવિધ મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું, જેને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
જીએસપીએલ કંપનીના કર્મચારીઓ પર હુમલો
તારીખ 21/11/2026 ના રોજ સાંજે 5:00 થી 5:30 વાગ્યાના સુમારે પાઈપલાઈનના કામના વિરોધ દરમિયાન કેટલાક લોકો દ્વારા ટોળાને ઉશ્કેરવામાં આવતા પરિસ્થિતિ ઉગ્ર બની હતી. ઉશ્કેરાયેલા ટોળાએ કોદાળી, પાવડા અને પથ્થરો વડે જીએસપીએલ કંપનીના કર્મચારીઓ પર હુમલો કર્યો હતો તેમજ કંપનીના વાહનોના કાચ તોડીને નુકસાન પહોંચાડ્યું હતું. આ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવાની ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પર પણ પથ્થરમારો કરવામાં આવતાં કેટલાક પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હતા.
કોઠ પોલીસ સ્ટેશનમાં ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ
આ ઘટના અંગે કોઠ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023 (BNS) ની કલમ 109(1), 189(2), 191(2), 191(3), 190, 195(1), 192, 221, 121 અને 45 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
ધરપકડ કરાયેલા 7 આરોપીઓ:
1. બ્રિજરાજ રાજુભાઈ સોલંકી
2. સુરેશભાઈ કાનાભાઈ મકવાણા
3. વિક્રમભાઈ નરસિંહભાઈ રાઠોડ
4. રામજીભાઈ ગાંડાભાઈ મકવાણા
5. ઠાકરસિંહભાઈ લાલજીભાઈ મકવાણા
6. પ્રતાપભાઈ મગનભાઈ સોલંકી
7. બાબુભાઈ પરષોત્તમભાઈ સોલંકી
10 દિવસના રિમાન્ડ સામે 26 નવેમ્બર સુધીની મંજૂરી
પોલીસ વિભાગ દ્વારા બ્રિજરાજ સોલંકી સહિત તમામ આરોપીઓને બાવળા કોર્ટમાં રજૂ કરીને વધુ તપાસ અર્થે 10 દિવસના પોલીસ રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જોકે, આરોપીઓની લીગલ ટીમ દ્વારા કરવામાં આવેલી ધારદાર રજૂઆતો અને દલીલો બાદ કોર્ટે 10 દિવસના બદલે 26 નવેમ્બર 2026 (એટલે કે 4 દિવસ) સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
કોળી સમાજ અને આમ આદમી પાર્ટીનું સમર્થન
કોર્ટ સુનાવણી દરમિયાન બાવળા કોર્ટ સંકુલ ખાતે ખૂબ મોટી સંખ્યામાં કોળી સમાજના યુવાનો, આગેવાનો અને વડીલો બ્રિજરાજ સોલંકી તથા ખેડૂતોના સમર્થનમાં ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત આમ આદમી પાર્ટીની લીગલ ટીમ તેમજ કાર્યકરો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
હાલમાં કોઠ પોલીસ દ્વારા હુમલામાં વપરાયેલા હથિયારો, અન્ય સંકળાયેલા વ્યક્તિઓની ભૂમિકા અને ટેકનિકલ પુરાવા એકત્રિત કરવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
