2008 Ahmedabad Serial Blasts: ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો આતંકવાદ સામેની લડાઈમાં ઐતિહાસિક જીત: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

38 આતંકીઓને ફાંસી અને 11ને આજીવન કેદની સજા હાઈકોર્ટે યથાવત રાખી. મૃતકોના પરિવારને રૂ.10 લાખ અને ગંભીર રીતે ઇજાગ્રસ્તોને રૂ.5 લાખની આર્થિક સહાય સરકાર તાત્કાલિક ચૂકવશે

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 07 Jul 2026 03:57 PM (IST)Updated: Tue, 07 Jul 2026 03:57 PM (IST)
2008-ahmedabad-serial-blasts-case-high-court-verdict-is-a-historic-victory-in-the-fight-against-terrorism-says-harsh-sanghavi
HIGHLIGHTS
  • ભારતની ધરતી પર આતંકવાદ અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ માટે કોઈ જ સ્થાન નથી

2008 Ahmedabad Serial Blasts: આજે ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતેથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ‘વર્ષ-2008ના અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસ’માં ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાને આવકાર્યો હતો. તેમણે આજના દિવસને દેશના ઇતિહાસનો એક અત્યંત મહત્વનો અને ઐતિહાસિક દિવસ ગણાવ્યો છે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ ચુકાદો માત્ર અમદાવાદ કે ગુજરાત માટે જ નહીં, પરંતુ સમગ્ર દેશ અને દુનિયાના તમામ શાંતિપ્રિય દેશો માટે આતંકવાદ સામેની લડાઈમાં એક બહુ મોટો અને મજબૂત સંદેશ છે 

 

26 જુલાઈ 2008ના રોજ અમદાવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટમાં અનેક નિર્દોષ નાગરિકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આજે તે તમામ નિર્દોષ આત્માઓને, તેમના પરિવારોને અને નાગરિકોને સાચો ન્યાય મળ્યો છે. ગુજરાત હાઈકોર્ટે નીચલી કોર્ટના ચુકાદાને યથાવત રાખીને 38 આતંકવાદીઓને ફાંસીની સજા અને 11 આતંકવાદીઓને આજીવન કેદની સજા ફટકારી છે, જે ભારતીય ન્યાયતંત્રના ઇતિહાસનો સૌથી મોટો અને ઐતિહાસિક ચુકાદો છે.

હર્ષ સંઘવીએ ગુજરાતના તમામ નાગરિકો વતી નામદાર હાઈકોર્ટ, નીચલી અદાલત અને સમગ્ર ઇન્વેસ્ટિગેશન ટીમનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, આ મજબૂત ન્યાય અપાવવા પાછળ તપાસ ટીમે વર્ષો સુધી કોઈ પણ પ્રકારની કાયદાકીય ક્ષતિ કે બાંધછોડ વિના રાત-દિવસ એક કરીને જે પ્રશંસનીય કામગીરી કરી છે, તે ખરેખર બિરદાવવા લાયક છે. આ ચુકાદો સ્પષ્ટપણે સાબિત કરે છે કે, ભારતની ધરતી પર આતંકવાદ અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ માટે કોઈ જ સ્થાન નથી.

તેમણે વધુમાં જણાવ્યું કે, ચુકાદાના ભાગરૂપે આ બ્લાસ્ટમાં જીવ ગુમાવનારા નિર્દોષ મૃતકોના પરિવારોને રૂ.10 લાખની સહાય અને જેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તેમને રૂ.5 લાખની આર્થિક મદદ પહોંચાડવાનો જે હાઈકોર્ટ દ્વારા આદેશ થયો છે, તેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા સંવેદનશીલતાપૂર્વક તાત્કાલિક અસરથી અમલમાં લાવીને ચૂકવવામાં આવશે. આ સરકાર પીડિત પરિવારોની સાથે સદાય પડખે ઊભી છે.