Ahmedanad Ragging Row: ગુજરાતની સૌથી મોટી અને જૂની સરકારી મેડિકલ કૉલેજ એવી અમદાવાદની બી.જે. મેડિકલ કૉલેજમાં રેગિંગની ઘટના સામે આવ્યા બાદ 3 વિદ્યાર્થીઓને 6 મહિનાથી માંડીને એક વર્ષ સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. એવામાં હવે ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં પણ જુનિયર વિદ્યાર્થીઓ દ્વારા સીનિયર સામે રેગિંગની ફરિયાદ કરવામાં આવી છે.
જુનિયર તબીબોને મુરઘા બનાવવામાં આવતા અને આખી રાત એકપગે ઉભા રાખતા
ભાવનગરની સર.ટી હોસ્પિટલમાં ઑર્થોપેડિક વિભાગના ફર્સ્ટ યરના 13 જેટલા વિદ્યાર્થીઓએ 6 સીનિયર વિદ્યાર્થીઓ સામે ફરિયાદ આપી છે. જેમાં સીનિયર વિદ્યાર્થીઓ જૂનિયર પાસેથી દર મહિને અઢી લાખ રૂપિયા પડાવતા હોવાનું જણાવવામાં આવ્યું છે.
આ ઉપરાંત જુનિયર તબીબો પાસેથી દારૂની બોટલો મંગાવવામાં આવતી, મુરઘા બનાવીને રાખવા, આખી રાત એક પગે ઉભા રાખવા તેમજ 15 દિવસ સુધી નહીં ન્હાવા દેવા જેવી સજા આપવામાં આવતી હોવાની આપવીતી જણાવી છે. હાલ તો જુનિયર તબીબોએ લેખિત ફરિયાદ કરીને દોષિતોને કડક સજાની માંગણી કરી છે.
આ મામલે મેડિકલ કૉલેજના ડીને જણાવ્યું કે, ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટના ફર્સ્ટ યરના 13 વિદ્યાર્થીઓની ઑનલાઈન ફરિયાદ મળી છે. જેના અનુસંધાને નેશનલ મેડિકલ કમિશનના નોર્મ્સ મુજબ એન્ટી રેગિંગ સ્ક્વોડે તમામના નિવેદન લઈ લીધા છે.

બી.જે મેડિકલ કોલેજના 3 સીનિયર વિદ્યાર્થી રેગિંગ બાદ સસ્પેન્ડ
અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજના ઓર્થોપેડિક વિભાગના પોસ્ટ ગ્રેજ્યુએટના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓએ નેશનલ મેડિકલ કમિશનને ફરિયાદ કરી હતી. જેમાં પ્રથમ વર્ષના 6 વિદ્યાર્થીઓનું બીજા વર્ષના વિદ્યાર્થીઓને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. નેશનલ મેડિકલ કમિશને ફરિયાદને ગંભીરતાથી લઈને તપાસનો આદેશ આપ્યા બાદ કોલેજની એન્ટી રેગિંગ કમિટીએ તપાસ કરીને બન્ને પક્ષના વિદ્યાર્થીઓને બોલાવીને તેમના નિવેદન નોંધ્યા હતા. જેના રિપોર્ટના આધારે રેગિંગમાં સામેલ 3 સેકન્ડ યરના મેડિકલ સ્ટૂડન્ટને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
આ અંગે રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું કે, ગુજરાત સરકાર અને આરોગ્ય વિભાગ વિદ્યાર્થીઓ માટે સુરક્ષિત, સન્માનજનક અને ભયમુક્ત શિક્ષણ માહોલ જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે વિદ્યાર્થીઓને પણ રેગિંગ જેવી ગતિવિધિઓથી દૂર રહેવાની અપીલ કરી છે. આ સાથે જ વરિષ્ઠ અધિકારીઓને ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં રેગિંગની ફરિયાદ પર જરૂરી કાર્યવાગી કરવાના આદેશ આફ્યા છે.
