Ahmedabad: બાવળાના ઝેકડા ગામે વાસી ભાત ખાવાથી 7 બાળકોને ફૂડ પોઈઝનિંગ, 7 વર્ષની બાળકીનું મોત, 6 બાળકને અમદાવાદ સિવિલ લવાયા

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Tue, 09 Apr 2024 09:02 AM (IST)Updated: Tue, 09 Apr 2024 09:03 AM (IST)
1-child-dies-from-stale-rice-poisoning-in-bavla-6-aged-2-to-10-hospitalized-at-ahmedabad-civil-hospital

Ahmedabad News: અમદાવાદ જિલ્લાના બાવળાના ઝેકડા ગામે સાત બાળકોને વાસી ભાત ખાવાથી ફૂડ પોઈઝનિંગ થયાની ઘટના સામે આવી છે. જેમાં એક 7 વર્ષની બાળકીનું મોત થયું છે. બીજી તરફ 2 વર્ષથી માંડીને 10 વર્ષની વયના 6 બાળકોને વધુ સારવાર માટે અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં લવાયા છે. જે પૈકી ત્રણ બાળકોને ઝાડા ઉલટીની અસર વધારે વર્તાઈ રહી છે. બાકી ત્રણ બાળકોને ઓછી માત્રામાં ડિહાઈડ્રેશન છે.

બાવળાના ઝેકડામાં ઈટો પકવવાના ભઠ્ઠામાં મજૂરી કામ કરતા પરિવારના બાળકો વાસી ખોરાકને લીધે ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યા છે. પરિવારજનના કહેવા પ્રમાણે બાળકોએ રાતે ભાત ખાધા હતા એ પછી રાતે તબિયત લથડી હતી. સવારે 7 વાગ્યા પછી બાળકોને એકાએક ઉલટીઓ થવા લાગી હતી. જેમાંથી 7 વર્ષની બાળકી સુનિતા જાટપને બાવળા સરકારી દવાખાને લઈ જવાતાં સારવાર દરમિયાન આ બાળકીનું મોત થયું હતું.

ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, ભઠ્ઠામાં પીવાના પાણીના અલગ-અલગ 4 નમૂના લઈ તપાસ માટે મોકલાયા છે. આ ઉપરાંત 53 બાળકોની ચકાસણી કરાઈ છે. ડિહાઈડ્રેશનને લગતી દવાઓ ભઠ્ઠામાં રહેતા 50 પરિવારના કુલ 150 જેટલા સભ્યોને અપાઈ છે. આ બનાવની જાણ થતા કેરાળા પોલીસ મથકના PI સરકારી દવાખાને પહોંચ્યા હતા અને પોસ્ટમોર્ટમ અર્થે કાર્યવાહી કરી હતી.