Yeh Prem Mol Liya Review: બોલિવૂડના જાણીતા દિગ્દર્શક સૂરજ બડજાત્યા (Sooraj Barjatya) ની નવી ફેમિલી ડ્રામા ફિલ્મ 'યે પ્રેમ મોલ લિયા' (Yeh Prem Mol Liya) સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. 'હમ આપકે હૈં કૌન', 'મૈંને પ્યાર કિયા' અને 'હમ સાથ-સાથ હૈં' જેવી આઇકોનિક પારિવારિક ફિલ્મો આપનાર સૂરજ બડજાત્યા આ વખતે સલમાન ખાનના સ્થાને આયુષ્માન ખુરાના (Ayushmann Khurrana) ને નવા 'પ્રેમ' તરીકે લઈને આવ્યા છે, જેમની સાથે મુખ્ય ભૂમિકામાં શરવરી (Sharvari) જોવા મળી રહી છે. ફિલ્મનો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોયા બાદ દર્શકોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોતાના રિવ્યૂ શેર કરવાનું શરૂ કરી દીધું છે.
દર્શકોને કેવી લાગી 'યે પ્રેમ મોલ લિયા'?
સૂરજ બડજાત્યાની ફિલ્મો હંમેશા પ્રેમ, સંસ્કાર અને પરિવારના મૂલ્યો માટે જાણીતી રહી છે. 'યે પ્રેમ મોલ લિયા' જોયા બાદ X પર દર્શકો તરફથી મિશ્ર પરંતુ મોટાભાગે સકારાત્મક પ્રતિક્રિયાઓ મળી રહી છે:
ફેમિલી એન્ટરટેઇનર અને ઇમોશનલ સેકન્ડ હાફ:
એક યુઝરે લખ્યું કે, "એક શબ્દમાં કહું તો આ શાનદાર મૂવી છે અને પરિવાર સાથે ચોક્કસ જોવી જોઈએ. ફર્સ્ટ હાફમાં થોડી ખામીઓ (લૂપહોલ્સ) છે, પરંતુ બીજો હાફ ખૂબ જ ઇમોશનલ કરી દેશે."

સરળ અને દિલ જીતનારી વાર્તા:
અન્ય એક દર્શકે ફિલ્મના વખાણ કરતા લખ્યું, "આ ફિલ્મ દિલ જીતી લેશે. સિમ્પલ, ઈમાનદાર, પ્યોર અને શ્રેષ્ઠ. સૂરજ બડજાત્યાએ પોતાની ફિલ્મોની પરંપરા જાળવી રાખી છે. ફિલ્મમાં ફેન્સને મોટું સરપ્રાઈઝ પણ મળી શકે છે."

રોમાન્સની ઉતાવળ પર ફરિયાદ:
એક યુઝરે ફિલ્મને સારી ગણાવતા એક નાની ફરિયાદ પણ કરી કે, "ફિલ્મ સારી છે અને ઓડિયન્સને જરૂર પસંદ આવશે. બસ એક જ ફરિયાદ છે કે રોમાન્સ ખૂબ ઉતાવળમાં બતાવ્યો છે. આયુષ્માનનું પાત્ર માત્ર એક દિવસની વાતચીત બાદ શરવરીને પ્રપોઝ કરી દે છે. સૂરજજી, તેમને 2-3 દિવસ કે એક અઠવાડિયું હરવા-ફરવા તો દેતા, પછી પ્રપોઝ કરાવતા."

શરવરીના અભિનયના વખાણ:
વધુ એક ચાહકે લખ્યું કે, "સૂરજજી, તમે ખરેખર દિલ જીતી લીધું છે. ફિલ્મ સિમ્પલ અને દિલને સ્પર્શી જાય તેવી છે. શરવરીએ પણ ખૂબ જ સારું કામ કર્યું છે."

ઓપનિંગ ડે પર બોક્સ ઓફિસ ટક્કર અને કમાણીનો અંદાજ
બોક્સ ઓફિસ પર 'યે પ્રેમ મોલ લિયા' ની સીધી ટક્કર ઇમરાન હાશ્મી સ્ટારર ફિલ્મ 'ગનમાસ્ટર G9' (Gunmaster G9) સાથે થઈ રહી છે. બંને ફિલ્મો અલગ-અલગ જોનરની હોવાથી દર્શકો બંનેને પસંદ કરી રહ્યા છે. ટ્રેડ નિષ્ણાતોના મતે, 'યે પ્રેમ મોલ લિયા' પ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર ₹6 થી ₹7 કરોડની ઓપનિંગ કરી શકે છે.
