Laalo Krishna Sada Sahaayate: ગુજરાતી ફિલ્મ 'લાલો - કૃષ્ણ સદા સહાયતે' (Laalo: Krishna Sada Sahaayate) અત્યારે બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી રહી છે. થિયેટરોમાં આ ફિલ્મનો ક્રેઝ હજુ પણ અકબંધ છે અને હવે વિદેશમાં પણ તેને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. હાલમાં ફિલ્મની ટીમ ફિલ્મના પ્રમોશન અર્થે વિવિધ સ્થળોએ મુલાકાત લઈ રહી છે અને ઈન્ટરવ્યુ આપી રહી છે. આવા જ એક ઈન્ટરવ્યુ દરમિયાન ફિલ્મના ડિરેક્ટર અંકિત સખિયા (Ankit Sakhiya) અત્યંત ભાવુક થઈ ગયા હતા અને તેમની આંખોમાંથી આંસુ સરી પડ્યા હતા. આવો જોઈએ એ કિસ્સો શું હતો અને કેમ રડી પડ્યા હતા 'લાલો' ફિલ્મના ડિરેક્ટર અંકિત સખિયા.
માતા વિશેના સવાલે ડિરેક્ટરને ભાવુક કર્યા
આ પણ વાંચો
પ્રમોશનલ ઈન્ટરવ્યુ દરમિયાન જ્યારે અંકિત સખિયાને પૂછવામાં આવ્યું કે, 'તમે તમારી માતાને ક્યારેય 'થેંક્યુ' કહ્યું છે?' ત્યારે આ સવાલ સાંભળીને તેઓ પોતાની જાત પર કાબૂ રાખી શક્યા ન હતા. તેમણે રડતા અવાજે જણાવ્યું હતું કે, માતાનો સ્વભાવ હંમેશા આપવાનો રહ્યો છે, તે ક્યારેય સંતાન પાસે વળતરની અપેક્ષા રાખતી નથી.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, 'મેં ફિલ્મમાં મારું નામ 'અંકિત રેખાબેન સખિયા' લખ્યું છે. આવું મેં પહેલીવાર કર્યું છે. પિતાનું સ્થાન પણ મોટું છે, પરંતુ માતા ક્યારેય કશું માગતી નથી, તેથી તેનું નામ લખવું મને જરૂરી લાગ્યું.' પોતાના બાળપણનો એક કિસ્સો યાદ કરતા તેમણે કહ્યું કે, 'નાનપણમાં મને પેનનો ખૂબ શોખ હતો, પરંતુ હું દીવાલો પર લીટા કરતો હોવાથી કોઈ મને પેન આપતું ન હતું. એ સમયે માત્ર મારી માતાએ મને પેન આપી હતી અને આજે એ જ પેનની તાકાતે આ ફિલ્મ બનાવી દીધી છે.'
સમાજ અને સંબંધો અંગે આપી શીખ
અંકિત સખિયાએ સમાજમાં સ્ત્રીઓના સ્થાન વિશે વાત કરતા કહ્યું હતું કે, 'ઘણી જગ્યાએ મહિલાઓની જોઈએ તેટલી કદર થતી નથી. તેમ છતાં, એક પત્ની તરીકે સ્ત્રી હંમેશા પોતાના પતિની પડખે ઉભી રહે છે અને તેની ખામીઓને સમાજ સામે છતી થવા દેતી નથી, જે આ ફિલ્મમાં પણ દર્શાવવામાં આવ્યું છે.'
તેમણે પુરુષોને સંદેશ આપતા કહ્યું હતું કે, 'તમારી પાસે મર્સિડીઝ હોય કે સાયકલ, પરંતુ તમારી પત્ની સાથે સમય વિતાવવો જોઈએ. તેની સાથે શાકભાજી લેવા કે ચાલવા માટે પણ જવું જોઈએ. આ નાની બાબતો સંબંધોને મજબૂત બનાવે છે.'
લાલો: સામાન્ય માણસ અને ઈશ્વરીય શ્રદ્ધા
ઉલ્લેખનીય છે કે, 'લાલો' ફિલ્મની વાર્તા એક સામાન્ય રિક્ષાચાલક લાલો (કરણ જોશી)ની આસપાસ ફરે છે, જે જીવનની મુશ્કેલીઓ, આર્થિક તંગી અને વ્યસન સામે ઝઝૂમી રહ્યો છે. તેની પત્ની તુલસી (રીવા રાચ્છ) દરેક પરિસ્થિતિમાં તેની સાથે ઉભી રહે છે. ફિલ્મનો મુખ્ય સાર એ છે કે 'વ્યક્તિ ખરાબ નથી હોતો, સમય ખરાબ હોય છે'. અવાવરૂ જગ્યાએ ફસાયેલા લાલાને ઈશ્વર કઈ રીતે માર્ગદર્શન આપે છે અને મુશ્કેલીમાંથી બહાર કાઢે છે, તે આ ફિલ્મમાં ખૂબ જ સચોટ રીતે દર્શાવવામાં આવ્યું છે.
