'શ્રીકૃષ્ણ' ફેમ અભિનેતા નીતિશ ભારદ્વાજ ફિલ્મમાં રાવણના મહિમામંડન પર ભડક્યા, કહ્યું- 'માત્ર શાનદાર VFXથી રામાયણ ના બને'

નીતિશ ભારદ્વાજ, જે 'મહાભારત'માં શ્રીકૃષ્ણની ભૂમિકા માટે જાણીતા છે, તેમણે 'રામાયણ' ફિલ્મનું ટ્રેલર વખાણ્યા બાદ હવે આખી ફિલ્મ જોઈને તેની આકરી ટીકા કરી છે. તેમણે ફિલ્મના રાવણના પાત્રના મહિમામંડન અને ભારતીય સંસ્કૃતિના ખોટા નિરૂપણ પર વાંધો ઉઠાવ્યો છે, અને કહ્યું કે માત્ર VFXથી રામાયણની ઊંડાઈ દર્શાવી શકાય નહીં.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 10 Nov 2026 04:59 PM (IST)Updated: Tue, 10 Nov 2026 04:59 PM (IST)
vfx

Entertainment News : રણબીર કપૂર, સાઈ પલ્લવી અને યશની ફિલ્મ 'રામાયણ પાર્ટ 1' (Ramayana Movie) ભલે બૉક્સ ઑફિસ પર ધૂમ મચાવી રહી હોય, પરંતુ અનેક લોકો આ ફિલ્મની આલોચના પણ કરી રહ્યા છે. આવા જ એક અભિનેતા છે નીતિશ ભારદ્વાજ (Nitish Bharadwaj) . 'મહાભારત'માં શ્રીકૃષ્ણની ભૂમિકા ભજવીને જાણીતા થયેલા અભિનેતા નીતિશ ભારદ્વારાજે 'રામાયણ' ફિલ્મનું ટ્રેલર જોઈને તેના વખાણ કર્યાં હતા, પરંતુ હવે ફિલ્મ નિહાળીને પોતાની વાત પરથી યુ-ટર્ન લીધો છે.

રામાયણ ફિલ્મ ઑસ્કર જીતવાની ભવિષ્યવાણી કરનારા નીતિશ ભારદ્વાજ હવે આખી ફિલ્મ જોયા બાદ ભડક્યા છે. નીતિશ ભારદ્વારા પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ શેર કરીને 'રામાયણ' ફિલ્મની ભારોભાર ટીકા કરી છે.

નીતિશ ભારદ્વાજે લખ્યું છે કે, આ રામાયણ મહાકાવ્યના તમામ પાત્રો તેના મૂલ્યો અને સંદેશના અભિન્ન અંગ છે. ભગવાન વિષ્ણુએ ધર્મ, પરંપરા અને મર્યાદાની સ્થાપના કરવાના ઉદ્દેશ્ય સાથે જ શ્રીરામ સ્વરૂપે અવતાર લીધો હતો.

જો કે આ ફિલ્મમાં રાવણને વધારે પડતો ઉદાર, સામાજિક દ્રષ્ટિએ ન્યાયપ્રિય અને નિષ્પક્ષ તરીકે રજૂ કરીને રામાયણના મૂળભૂત વિચારને જ બદલી નાંખવામાં આવ્યો છે, જે વિષ્ણુના ભગવાન રામ તરીકે અવતાર લેવાના મુળ ઉદ્દેશ્યથી ભટકી ગઈ છે.

અગાઉ પોતે ફિલ્મના કરેલા વખાણ પર નીતિશ ભારદ્વાજે જણાવ્યું કે, હવે આ ફિલ્મમાં મને કશું જ સારું નથી લાગતો. માત્ર શાનદાર VFX દેખાડવાથી રામાયણની ઊંડાઈ અને તેના આદ્યાત્મિક મહત્ત્વને ના દર્શાવી શકાય. મારા મતે આ ફિલ્મ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય સિનેમાનું પ્રતિનિધિત્વ કરવા લાયક નથી, કારણ કે તેની વાર્તા ભારતના ઈતિહાસ સાંસ્કૃતિક વારસા અને મૂળ આધ્યાત્મિક મૂલ્યોને ખોટી રીતે રજૂ કરે છે.

જણાવી દઈએ કે, નીતિશ ભારદ્વાજે રામાયણનું ટ્રેલર જોઈને તેના ભરપુર વખાણ કર્યાં હતા. તેમણે આ ફિલ્મને ઉમદા ગણાવતા કહ્યું હતું કે, આ ફિલ્મ 100 ટકા બેસ્ટ ફોરેન ફિલ્મનો ઓસ્કર જીતી શકે છે. જો કે હવે પૂરી ફિલ્મ નિહાળ્યા બાદ તેમનો અભિપ્રાય એકદમ બદલાઈ ગયો છે.